જર્મની વધુ અભ્યાસ માટે જવાનું સ્વપ્ન પુરૃં નહીં થતા યુવાનનો આપઘાત
બહેનની માફી માંગતી અંતિમ ચિઠ્ઠી લખી ભાડાના મકાનમાં ફાંસો ખાઇ લીધો
વડોદરા,વધુ અભ્યાસ માટે જર્મની જવાનું સ્વપ્ન પુરૃં નહીં થતા ટેન્શનમાં આવીને ૨૪ વર્ષના યુવાને બહેનની માફી માંગતી ચિઠ્ઠી લખી આપઘાત કરી લીધો હતો. તાલુકા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ જિલ્લાના ઉમરેઠ ગામે પુરષોત્તમ બંગલોમાં રહેતો ૨૪ વર્ષનો વિશેષ રમેશચંદ્ર પટેલ હાલમાં ભાયલી ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં ક્રિષ્ણા મેરેડિયમમાં પી.જી. માં રહેતો હતો. ગઇકાલે રાતે તેના રૃમ પાર્ટનરે આવીને દરવાજો ખખડાવતા તેણે દરવાજો ખોલ્યો નહતો. તે મોબાઇલ પણ રિસિવ કરતો નહતો. જેથી, બારીમાંથી જોતા બાજુના ફ્લેટના ગ્લાસમાં વિશેષે ફાંસો ખાઇ લીધાનું દેખાયું હતું. જેથી, તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. તાલુકા પોલીસ સ્ટેશનના હે.કો. રણજીતસિંહે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. વિશેષે પંખા પર ચાદર તથા ટી - શર્ટ વડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. તેની ડેડબોડી નીચે ઉતારી પી.એમ. માટે મોકલી આપવામાં આવી હતી. પોલીસને રૃમમાંથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં બહેનને ઉદ્દેશીને તેણે લખ્યું હતું કે, હું તારી ઇચ્છા પૂરી ના કરી શક્યો. કોઇને દોષ આપતો નથી. આ દુનિયા મારી માટે વધુ ઝડપી છે. બાય....
પોલીસે રૃમ પાર્ટનર અને અન્યના નિવેદનો લેતા એવી વિગતો જાણવા મળી હતી કે, મૃતકને વધુ અભ્યાસ માટે જર્મની જવું હતું. જ્યારે બહેનને પણ વધુ અભ્યાસ માટે વિદેશ મોકલવી હતી. પરંતુ, તેના ખર્ચ માટે તેની પાસે પૂરતા પૈસા નહતા તેમજ તેની એક્ઝામ પણ બહુ અઘરી હતી. જેના કારણે તે સતત ટેન્શનમાં રહેતો હતો. તેના લીધે જ તેણે આપઘાત કર્યો હોવાની શંકા છે. મૃતક તાંદલજા વિસ્તારની એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતો હતો. જ્યારે તેના માતા - પિતા હયાત નથી.