પ્રજા,પોલીસ અને કાયદાની દયા મળે તે માટે ગુનાખોરીમાં સગીરોનો ઉપયોગ,ચોરી કરતા બે સગીર ફરી પકડાયા
વડોદરાઃ શહેરમાં ગુનાખોરી આચરવા માટે સગીર વયના ગુનેગારોના ઉપયોગના બનાવો વચ્ચે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ગોરવાના ઘરફોડ ચોરી અને વાન ચોરીના ગુનામાં પકડાયેલા સગીર વયના બે આરોપીઓને ફરી ચોરીના ગુનામાં ઝડપી પાડયા છે.બંને સગીરનો ગુનાખોરીમાં ઉપયોગ કરનાર આકાઓની પણ શોધખોળ હાથ ધરાઇ છે.
સગીરવયના ગુનેગારો પકડાઇ જાય તો લોકોની દયા મળી રહે,પોલીસ પણ કૂણૂ વલણ અપનાવે તેમજ કાયદાનો પણ લાભ મળે તે માટે ગુનાખોરીમાં સગીરવયના સાગરીતોનો ઉપયોગ કરવામાં આવતો હોવાના અગાઉ પણ કિસ્સા બન્યા હતા.
તાજેતરમાં મકરપુરા રોડ પર નોવીનો નજીક પદમપાર્કમાં બંધ મકાનમાં ત્રાટકેલા ચોરો રૃ.૧.૫૯ લાખની કિંમતના દાગીના અને ઘડિયાળ ચોરી ગયા હતા.ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજા અને ટીમે આ બનાવના સીસીટીવી કેમેરા તપાસતાં મહત્વના ફૂટેજ મળ્યા હતા.જેની વધુ તપાસ કરતાં ચોરી કરવા આવેલા બે સગીર ચોરો અગાઉ ગોરવા વિસ્તારમાં ઘરફોડ ચોરી તેમજ વાન ચોરીના ગુનામાં પકડાયેલા હોવાની વિગતો ખૂલી હતી.
પોલીસની ટીમે બંને સગીર પર વોચ રાખી આજવારોડ દશાલાડ ભવન પાસેથી તેમને ઝડપી પાડયા હતા.પૂછપરછ દરમિયાન બંને જણાએ પદમપાર્કના મકાનમાં ચોરી કરી હોવાની વિગતો કબૂલી હતી.આ ઉપરાંત બે ગઠિયા પૈકી એક સગીર કપૂરાઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અછોડો લૂંટવાના બનાવમાં સંડોવાયેલો હોવાની પણ વિગતો બહાર આવી હતી.જેથી મકરપુરા અને કપૂરાઇ પોલીસને જાણ કરવામાં આવી છે.