ટ્રાન્સપોર્ટર પાસેથી ભાડે ફેરવવા લીધેલા ટેમ્પાનો દારૃના ધંધામાં ઉપયોગ

આણંદના બે તથા અમદાવાદના એક ઠગ સામે પોલીસે ગુનો દાખલ કર્યો

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
ટ્રાન્સપોર્ટર પાસેથી ભાડે ફેરવવા લીધેલા  ટેમ્પાનો દારૃના ધંધામાં ઉપયોગ 1 - image

વડોદરા,વડોદરાના ટ્રાન્સપોર્ટર પાસેથી ત્રણ આયશર ટેમ્પો ભાડે ફેરવવા લીધા  પછી આરોપીઓ દ્વારા નિયમિત ભાડૂ ચૂકવવામાં આવતું નહતું. રાજસ્થાન પોલીસે આ પૈકી એક ગાડી દારૃના કેસમાં પકડી હતી.જે અંગે ટ્રાન્સપોર્ટર દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તરસાલી કુંજ ડુપ્લેક્સમાં રહેતા જાગૃતિબેન નરેશભાઈ આચાર્ય ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું ઘરે થી ભવાની ટ્રાન્સપોર્ટના નામથી આઇસર ગાડીઓ ભાડે આપવાનું ધંધો કરું છું. માર્ચ ૨૦૨૩માં ભવાની ટ્રાન્સપોર્ટના નામે રેલવેનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ટેન્ડર ભર્યું હતું અને બેંકમાંથી લોન લઈ ત્રણ આઇસર ટેમ્પાનું ડાઉન  પેમેન્ટ ભરી દીધું હતું. પરંતુ, ડિલીવરી લીધી નહતી. અમને કોન્ટ્રાક્ટ મળ્યો નહોતો અને લોન હપ્તા ચાલુ થઈ ગયા હતા. જેથી અમે ગાડીઓ ભાડે આપવા માટે સોશિયલ મીડિયા પર મેસેજ મૂક્યો હતો. તેના થકી ફિરોઝ ઉર્ફે ટીના રસુલભાઈ વોરા (રહે. બેતુલઆઇસા સોસાયટી,  પરિવાર પાર્ટી પ્લોટ પાસે, આણંદ) નો સંપર્ક થયો હતો. તેણે જણાવ્યું હતું કે, તમારે ત્રણેય ટેમ્પો ભાડે  આપવા  હોય તો  હું પાર્ટી લઇને આવું. તમે ચિંતા ના કરતા તમામ જવાબદારી મારી રહેશે.તેની વાતોમાં આવીને અમે  હા પાડી હતી. દશ દિવસ પછી ફિરોઝ એક વ્યક્તિને લઇને અમારા ઘરે આવ્યો હતો. જેની ઓળખાણ અહેમદ વોરા (રહે.  પરિવાર પાર્ટી પ્લોટ પાસે,આણંદ) તરીકે આપી હતી.

ત્યારબાદ અન્ય એક વ્યક્તિને ફિરોઝ વોરા અમારી પાસે લઇ આવ્યો હતો.તેની ઓળખાણ પોતાના ભાગીદાર પંકજ ગોસ્વામી (રહે. જી.આઇ.ડી.સી.ની પાછળ, કાઠવાડા, અમદાવાદ) તરીકે આપી હતી. અમે  ત્રણ ટેમ્પો લઇને ત્રણેયને આપ્યા હતા. પરંતુ, ત્યારબાદ તેઓએ કોઇ લેખિત કરાર કરી આપ્યો નહતો. તેઓેએ ડાઉન  પેમેન્ટ અને લોનના હપ્તાના રૃપિયા પણ આપ્યા નહતા.  આરોપીઓ ત્રણેય ટેમ્પો લઇ  ગયા પછી પરત આપ્યા નહતા. ત્રણ ટેમ્પોની અસલ આર.સી.બુક તથા તમામ કાગળો ભવાની ટ્રાન્સપોર્ટના નામે હતા. દરમિયાન ગત તા.૧૯ મી ઓગસ્ટે રાજસ્થાન પોલીસે કોલ કરીને જણાવ્યું હતું કે, તમારી ગાડી બેગુન  પોલીસ સ્ટેશન ચિત્તોડગઢ, રાજસ્થાનમાં દારૃના કેસમાં પકડાઇ છે.


Google NewsGoogle News