વડોદરામાં 75 મીટરનો રીંગરોડ બનાવવા ટીપીની જમીન પરના અવરોધો ત્રણ દિવસમાં ખુલ્લા કરવા તાકીદ
- ત્રણ દિવસ બાદ પણ અવરોધો નહીં હટાવાય તો વુડા દૂર કરશે
- 10 ગામની ટીપી સ્કીમના સર્વે નંબરો પર રીંગરોડ આડેના અવરોધો છે
વડોદરા,તા.08 માર્ચ 2024,શુક્રવાર
વડોદરા ખાતે તાજેતરમાં મુખ્યમંત્રીએ વુડા વિસ્તારના 75 મીટર પહોળાઈના પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારમાં ડ્રાફ્ટ લેવલે મંજૂર થયેલ ટીપીમાં પસાર થતાં તથા સ્ટેટ હાઇવે ને ઇન્ટર કનેક્ટ કરતા રસ્તાની કામગીરી ખાતમુહૂર્ત કર્યું હતું. 75 મીટર રીંગરોડ ટીપી રસ્તામાં સમાવિષ્ટ જમીન માટે ત્રણ દિવસમાં દબાણો હટાવી જમીનનો કબજો ખુલ્લો કરવા વુડા દ્વારા જણાવવામાં આવ્યું છે. જો દબાણ નહીં હટાવાય તો ત્રણ દિવસ બાદ વુડા કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય ટીપી રસ્તામાં આવતી રોડ માટેની જમીન ખુલ્લી કરી દેશે. 75 મીટર રીંગરોડને લગતી ટીપી સ્કીમમાં શંકરપુરા, ખટંબા, અણખોલ, હનુમંતપુરા, શ્રી પોરટીમ્બી, ચાપડ, સમલાયા, અંકોડીયા, ખાનપુર અને રતનપુરના વિવિધ સર્વે નંબરોનો સમાવેશ થાય છે.
વડોદરાની બીજી વિકાસ યોજના વર્ષ-2012માં મંજૂર થઇ ત્યારે તેમાં વડોદરાના વિકાસને ધ્યાનમાં રાખીને તે સમયે 66.08 કિલોમીટર લંબાઈના 75 મીટર પહોળાઈનો રિંગરોડ સુચિત કરવામાં આવ્યો હતો. 75 મીટરની પહોળાઇના રિંગરોડને બે મુખ્ય રસ્તાઓને જોડી લિંક કરી ફેઝ વાઈઝ કામગીરી કરવાનું કોર્પોરેશન અને વુડા દ્વારા નક્કી કરવામા આવ્યુ છે. જેમાં કોયલી, સિંધરોટ અને ચાપડની હદ સુધી ધોરીમાર્ગથી વડોદરા-પાદરા સ્ટેટ હાઈવેને જોડતા રિંગરોડને પ્રથમ ફેઝમાં બનાવવામાં આવશે, પશ્ચિમ વિસ્તારમાં પ્રથમ ફેઝમાં બનનારા રિંગરોડ માટે પશ્ચિમ વિસ્તારમાં કુલ પાંચ ટીપી સ્કીમો ડ્રાફ્ટ લેવલે મંજૂર થઈ છે. 66.08 કિલોમીટર લંબાઈના રિંગરોડ પૈકી 16.840 કિલોમીટર રીંગરોડ પ્રથમ તબક્કામાં તૈયાર કરાશે. પશ્ચિમ વિસ્તારના પહેલા તબક્કામાં રીંગરોડ ની લંબાઈ પૈકી 8.240 કિલોમીટર વડોદરા કોર્પોરેશન દ્વારા મંજુર અંકોડિયા અને બિલની ટીપી સ્કીમોમાંથી પસાર થશે. આ પૈકી 4.8 કિલોમીટર લંબાઇના રોડને વર્ષ 2022 માં તાંત્રિક મંજૂરી મળી ગઈ છે .જ્યારે વુડા હસ્તકની ટીપી સ્કીમમાં 8.43 કિલોમીટર લંબાઇનો રોડ બનાવવાનો થાય છે.