Get The App

વડોદરામાં જાહેરમાં કચરો ફેંકીને ગંદકી કરતા લોકો સામે સખતાઈથી દંડ વસૂલ કરવા તાકીદ

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
વડોદરામાં જાહેરમાં કચરો ફેંકીને ગંદકી કરતા લોકો સામે સખતાઈથી દંડ વસૂલ કરવા તાકીદ 1 - image


- કોર્પોની અપીલ છતાં લોકો કચરો ગાડીમાં નાખવા અને બદલે બહાર ફેંકે છે

વડોદરા,તા.23 નવેમ્બર 2023,ગુરૂવાર

ગુજરાતમાં હાલ સરકાર દ્વારા ડિસેમ્બર મહિના સુધી સઘન સ્વચ્છતા અને સફાઈ ઝુંબેશની સૂચના આપવામાં આવી છે. જેને અનુલક્ષીને વડોદરા શહેર અને જિલ્લામાં પણ જાહેર સ્થળો, તળાવો, બગીચાઓ વગેરે જગ્યાએથી સફાઈ કરવામાં આવી રહી છે અને રોજે રોજ કચરાનો નિકાલ પણ થઈ રહ્યો છે બીજી બાજુ શહેરી વિકાસ વિભાગ દ્વારા યોજાયેલી એક બેઠકમાં જાહેર સ્થળોએ કચરો નાખીને ગંદકી કરતા લોકો સામે સખતાઈ રાખવા અને દંડ વસૂલ કરવા તાકીદ કરવામાં આવી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ જાહેરમાં ગંદકી કરતા લોકોને દંડિત કરવાનું છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. ગઈ તારીખ 23 ઓક્ટોબરથી અત્યાર સુધી મળેલા આંકડા અનુસાર આશરે 1,950 લોકોને જાહેરમાં ગંદકી કરતા દંડ ફટકારવામાં આવ્યો છે, અને આ રકમ અંદાજે 8,72,600  છે. વચ્ચે દિવાળીની રજાઓ હતી ત્યારે જાહેરમાં ગંદકી કરતા લોકોને દંડિત કરવાની કામગીરી જોવા મળી ન હતી, પરંતુ હવે તંત્ર ફરી સક્રિય થયું છે. કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર કચરો લેવા ગાડીઓ મોકલવામાં આવી રહી છે. આમ છતાં પણ લોકો જાહેર સ્થળોએ ઓપન સ્પોટ પર કચરો ફેંકી રહ્યા છે અને ગંદકી ફેલાવી રહ્યા છે. કોર્પોરેશને સ્પષ્ટ સૂચના આપી છે કે કચરો બહાર ફેંકવા ને બદલે ડોર ટુ ડોર કચરાની ગાડીમાં જ નાખવો જોઈએ, છતાં લોકો તેનો સંપૂર્ણ અમલ કરતા નથી. શહેરમાં સંખ્યાબંધ સ્થળોએ કચરાના ઉકરડા જોવા મળે છે અને આ કચરો ફેંદતા ઢોરો પણ દેખાય છે.


Google NewsGoogle News