દિલ્હીના મહોલ્લા ક્લિનિક જેમ રાષ્ટ્રીય સ્તરે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ વડોદરાને ૮૦ સેન્ટરોની ફાળવણી

કરોડિયામાં પ્રથમ સેન્ટરનો પ્રારંભ : છેવાડાના લોકોને સામાન્ય દર્દોની પ્રાથમિક સારવાર મળી રહેશે : ટૂંક સમયમાં ૨૦ સેન્ટર શરૃ થશે

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
દિલ્હીના મહોલ્લા ક્લિનિક જેમ રાષ્ટ્રીય સ્તરે  અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ વડોદરાને ૮૦ સેન્ટરોની ફાળવણી 1 - image

વડોદરા,દિલ્હીમાં જેમ મહોલ્લા ક્લિનિક ચાલુ કરાયા છે, તેમ કેન્દ્ર સરકારે પણ રાષ્ટ્રીયસ્તરે વસાહતો અને સ્લમ વિસ્તારો કે જે અર્બન હેલ્થ સેન્ટરોથી દૂર આવેલા છે, તેઓને પોતાના વિસ્તારોમાં જ પ્રાથમિક આરોગ્યની સુવિધા મળી રહે તે માટે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૃ કરવાની યોજના મૂકી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને આવા ૮૦ સેન્ટર્સ ફાળવવામાં આવ્યા છે. જેમાંથી ઉંડેરા અર્બન હેલ્થ સેન્ટર હેઠળ કરોડિયા ખાતે આવા પ્રથમ સેન્ટરનું ઉદઘાટન આજરોજ કરવામાં આવ્યું છે.

ભારત સરકારના ૧૫મા નાણાપંચ અંતર્ગત આરોગ્ય  લક્ષી સુવિધાઓનો વ્યાપ વધારીને શહેરીજનોને તેઓના રહેઠાણની નજીક આરોગ્ય સવલતો પૂરી પાડી શકાય તે માટે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને અમલી બનાવી છે. વડોદરાના પશ્ચિમ ઝોનમાં સયાજીગંજ બેઠકમાં સમાવિષ્ટ કરોડિયા કે જે હવે કોર્પો.ની હદમાં છે અને ત્યાંના લોકોને કોર્પોરેશનનું અર્બન હેલ્થ સેન્ટર દૂર પડે તેમ હોવાથી, સામાન્ય દર્દોની સારવાર માટે પોતાના જ વિસ્તારમાં સવલત મળે તે માટે આ સેન્ટર ચાલુ કર્યું છે. જ્યાંથી તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલટી, વગેરેની નિઃશુલ્ક સારવાર મળી શકશે. ભવિષ્યમાં આવા સેન્ટરમાં નવ પ્રકારના પ્રાથમિક ટેસ્ટની સુવિધા શરૃ કરાશે. એ પછી ભાવિ આયોજન યોગા-મેડિટેશન માટેનું પણ છે. 

સવારથી સાંજ સુધી આ સેન્ટર ખુલ્લા રહેશે અને કોર્પો.ના ડોકટરો ઉપસ્થિત રહેશે.

 ગ્રામ પંચાયતની જૂની કચેરી જ્યાં હતી, ત્યાં આ સેન્ટર ચાલુ કરાયું છે. અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર અને હવે છેવાડાના લોકો માટે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વધુ ચાલુ કરવામાં આવશે. ટૂંક જ સમયમાં આવા ૨૦ સેન્ટરોના ઉદઘાટન કરવા સૂચના  અપાઇ હોવાનું જાણવા મળ્યું છે.


Google NewsGoogle News