વડોદરા આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોવા છતાં અરજદારોને જાણ ન કરાતા હોબાળો
- છ દિવસથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ છે લોકોને એપોઇન્ટમેન્ટ અપાઈ હોવાથી ધક્કા ખાઈ રહ્યા છે
વડોદરા,તા.20 માર્ચ 2024,બુધવાર
વડોદરા થી 20 કિલોમીટર દૂર દરજીપુરા ખાતે આવેલી આરટીઓ ઓફિસમાં ફરી એક વખત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ થઈ ગયો છે જેના કારણે ટેસ્ટ આપવા આવનાર અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે. આરટીઓ અધિકારી જીગર પટેલનું કહેવું છે કે શુક્રવારથી ટેસ્ટ ટ્રેકના સર્વરમાં ખામી સર્જાતા બંધ થયો છે ટેકનિકલ ક્ષતિના કારણે આ સમસ્યા સર્જાય છે. જોકે ટૂંક સમયમાં તે ચાલુ કરી દેવામાં આવશે
બીજી તરફ અરજદારોનું કહેવું છે કે ટેસ્ટ ટ્રેક બંધ થયા બાદ જે અરજદારોને એપોઇન્ટમેન્ટ અપાયેલી છે એ અરજદારોને મેસેજ કરીને ટેસ્ટ ટ્રેક બંધ હોવાની જાણકારી આપવાની જવાબદારી આરટીઓની છે. પરંતુ તેવી જાણકારી આપવામાં આવી નહીં હોવાથી લોકો દૂર દૂરથી ધક્કા ખાઈને અહીં આવે છે. ત્યારબાદ જાણવા મળે છે કે ટેસ્ટ ટ્રેક બંધ છે
પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને 40 થી 50 કિલોમીટરનો ધક્કો ખાવો પડે તો એ કરજદારને રૂ.100 નું નુકસાન થાય છે. ઉપરાંત સમય પણ વેડફાય છે. હવે ફરીથી ક્યારે ટેસ્ટ ટ્રેક શરૂ થશે તેની જાણકારી આપવામાં આવી નથી. હવે જ્યારે પણ શરૂ થશે ત્યારે અરજદાર હોય ફરીથી એપોઇન્ટમેન્ટ લઈને ધક્કો ખાવો પડશે.