વારસિયા રીંગ રોડ પર આવેલી હોસ્પિટલમાં મૃતદેહ સોંપવાના મુદ્દે હોબાળો
બિલ ચૂકવીને બોડી લઇ જાવ, તેવું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું ઃ પરિવારજન
ભારે હોબાળો મચતા પોલીસ દોડી આવી ઃ છેવટે સમાધાન થયું અને બોડી સુપરત કરાઇ
વડોદરા,વારસિયા રીંગ રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં ગઇકાલે એક નવજાત શિશુનું મોત થયું હતું. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, હોસ્પિટલ દ્વારા બિલ ચૂકવીને બોડી લઇ જાવ તેવું કહ્યું હતું. ભારે હોબાળો મચતા વારસિયા પોલીસ સ્થળ પર પહોંચી હતી. છેવટે મામલો શાંત પડતા પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લાના અશોકભાઇ વણજારા તેમના છ મહિનાના દીકરાને સારવાર માટે વડોદરા લઇ આવ્યા હતા. છેલ્લા બે મહિનાથી તેમના બાળકની સારવાર વારસિયા રીંગરોડ પર આવેલી લોટસ હોસ્પિટલમાં ચાલતી હતી. બાળકના પરિવારજને જણાવ્યું હતું કે, બે મહિનાથી સારવાર ચાલતી હતી. ડોક્ટર દ્વારા એવો ભરોસો આપવામાં આવ્યો હતો કે, બાળક સારૃં થઇ જશે. અમારી પાસે અગાઉ પાંચ લાખ ભરાવડાવ્યા હતા. બપોરે બાળકનું અવસાન થયા પછી અમે મૃતદેહ લેવા ગયા ત્યારે હોસ્પિટલમાંથી અમને જણાવવામાં આવ્યું કે, પહેલા બિલની બાકીની રકમ ચૂકવી આપો. ત્યારબાદ બોડી મળશે. હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે બોડી સોંપવાની ના પાડી નથી. માત્ર એટલું જ કહ્યું હતું કે, તમે બિલની બાકીની રકમ ક્યારે ચૂકવશો તેનું લેખિતમાં આપો.
બનાવના પગલે ટોળા એકત્રિત થઇ ગયા હતા અને વારસિયા પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે જણાવ્યું છે કે, ત્યારબાદ બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ ગયું હતું. બાળકનો મૃતદેહ પરિવારને સુપરત કરવામાં આવ્યો હતો. આ અંગે ડોક્ટરનો સંપર્ક કરવાની કોશિશ કરતા તેઓ વ્યસ્ત હોવાના કારણે હોસ્પિટલના સ્ટાફે વાત કરાવી નહતી.