Get The App

સ્થાનિક વડોદરાના વિદ્યાર્થીઓને એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ નહીં મળતા હોબાળો

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
સ્થાનિક વડોદરાના વિદ્યાર્થીઓને એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ નહીં મળતા હોબાળો 1 - image


M S University Vadodara : વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની પહેલી યાદી બહાર પડતાં 75 ટકાવાળા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે. બક્ષીપંચ, એસટી, એસસીને મળેલા એડમિશનમાં પણ અન્યાય થયો હોવાના આક્ષેપો થયા છે. 75 થી ઓછા ટકા મેળવનાર વિદ્યાર્થીઓને પાદરા ખાતે કે પછી એમ.એસ.યુનિના યુનિટ ખાતે પ્રવેશ આપી દેવાતા અન્યાય થયો હોવા અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓએ કોમર્સ ફેકલ્ટી ખાતે ભારે હોબાળો મચાવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ધો.12મા 75 કે તેથી વધુ ટકા મેળવનારને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. જોકે અગાઉ ધો. 12મા 40 ટકા મેળવનાર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે. પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષથી નીતિ બદલાતા 50 ટકા જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહેવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. પરિણામે વાલીઓ સહિત વિદ્યાર્થીઓએ આજે કોમર્સ ફેકલ્ટી ખાતે ભારે હલ્લો મચાવી સૂત્રોચાર કર્યા હતા. વાલીઓ અને વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, હવે પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ આજુબાજુની ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવે એવો જ ત્રાગડો રચાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. 

સ્થાનિક વડોદરાના વિદ્યાર્થીઓને એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ નહીં મળતા હોબાળો 2 - image

વધુમાં તેમણે જણાવ્યું હતું કે એસસી, એસટી, બક્ષીપંચના 34 ટકા માર્ચ મેળવનારાઓને અગાઉ કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મળતો હતો પરંતુ હાલમાં 74 ટકાએ પણ આવા વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહેવું પડ્યું છે. વધુ આક્ષેપક કરતા તેમણે જણાવ્યું હતું કે ઓછા ટકાવાળા બક્ષીપંચના વિદ્યાર્થીઓને મેઇન બ્રાન્ચમાં પ્રવેશ આપવાના બદલે પાદરા કોલેજ ખાતે કે પછી યુનિટ ખાતે પ્રવેશ આપીને અન્યાય કરવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે એમ.એસ.યુનિવર્સિટીના સ્થાપક સયાજીરાવ ગાયકવાડનો મૂળ હેતુ એવો હતો કે શહેરના વિદ્યાર્થીને ભણવાના ઇરાદે બહાર જવું ન પડે એ માટે જ એમ.એસ.યુનિવર્સિટીની સ્થાપના કરાઈ છે. પરંતુ હાલના તંત્ર દ્વારા આ મૂળ હેતુને જ નકારીને વિદ્યાર્થીઓને ઓછા ટકાએ કોમર્સ કોલેજમાં પ્રવેશથી વંચિત રહેનારા વિદ્યાર્થીઓ અને વાલીઓ કોમર્સ ફેકલ્ટી ખાતે આજે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને સરકાર સહિત તંત્ર સામે ભ્રષ્ટાચાર બાબતે ભારે સૂત્રોચ્ચાર કરીને કોમર્સ ફેકલ્ટીનું પ્રાંગણ ગજવી દીધું હતું.

સ્થાનિક વડોદરાના વિદ્યાર્થીઓને એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ નહીં મળતા હોબાળો 3 - image

ઉલ્લેખનીય છે કે, કોમર્સ ફેકલ્ટી પહેલા 8000 જેટલા વિદ્યાર્થીઓને દર વર્ષે પ્રવેશ આપતી હતી પણ  યુનિવર્સિટીના સત્તાધીશોએ ગત વર્ષે અચાનક જ સારી રીતે વહિવટ થઈ શકે તેવુ કારણ આપીને એફવાયની બેઠકો ઘટાડીને 5800 કરી નાંખી હતી. બેઠકો ઘટાડવા સામે વિરોધ પણ થયો હતો. સત્તાધીશોએ આ વિરોધને ગણકાર્યો નહોતો. આજે  પ્રવેશથી વંચિત સેંકડો વિદ્યાર્થીઓ અને વાલીઓ કોમર્સ ફેકલ્ટી ખાતે ઉમટી પડયા હતા અને એનએસયુઆઈના કાર્યકરો સાથે તેમણે ફેકલ્ટી ડીનનો ઘેરાવ કર્યો હતો. અને વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.



Google NewsGoogle News