વડોદરામાં દશરથ ખાતેના પેટ્રોલ પંપની ફાયર NOC મુદ્દે હોબાળો : રીજીયોનલ ફાયર ઓફિસરની ટીમ દ્વારા સીલ મારવાને બદલે નોટીસ આપી
Fire Safety Drive in Vadodara : વડોદરા શહેરના છેવાડે આવેલા દશરથ પેટ્રોલ પંપ ખાતે એનઓસી સહિતની અન્ય ત્રણ મંજૂરી બાબતે ગયેલી વુડાની રિજીયોનલ ફાયર ઓફિસરની ટીમ અને પેટ્રોલ પંપ કર્મીઓ વચ્ચે ભારે બોલાચાલી અને વિવાદ સર્જાયો હતો. મોડી રાત્રે થયેલી બોલાચાલી બાદ રિજીયોનલ ફાયર ઓફિસરની ટીમે નોટિસ ફટકારી પેપર્સ રજૂ કરવા બે દિવસની મુદત આપી હતી.
પેટ્રોલ પંપના સ્ટાફનું કહેવું હતું કે અમારી પાસે તમામ પરમિશન છે. જોકે આ તમામ મંજૂરીઓ પેટ્રોલ પંપ ખાતે રાખવામાં આવી ન હોવાથી હાલ તુરત નોટિસ ફટકારી ઘટના પર પડદો પાડી વુડાની રિજનલ ફાયર ઓફિસરની ટીમ લીલા તોરણે પરત ફરી હતી. જોકે તપાસ માટે ગયેલી ટીમ દ્વારા બંદોબસ્ત અર્થે પોલીસ કાફલો રાખવામાં આવ્યો ન હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો હતો જ્યાં ફાયર બાબતેની કોઈ મંજૂરીઓ નહીં હોવાનું કહેવાય છે. આ અગ્નિકાંડમાં અનેક ભૂલકાઓ સહિત માનવ જિંદગીઓ જીવતી ભૂંજાઇ હતી. ઘોડા ભાગી છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવા હવાતીયા અંગે ફાયર એનઓસી સહિતની અન્ય મંજૂરીઓ બાબતે ગુજરાત સરકારે રાજ્યભરમાં તપાસ કરવા હુકમો કર્યા હતા.
પરિણામે ફાયર બ્રિગેડ વિભાગે તંત્ર સાથે મળીને ઠેર ઠેર તપાસ આદરી હતી જેમાં અનેક જગ્યાએ બહુમાળી કોમ્પ્લેક્સ સિનેમા હોલ, કેટલાક મોલ સહિત વિવિધ જગ્યાએ સીલ મારવાની કામગીરી શરૂ કરી હતી. આ ઉપરાંત વિવિધ ધાર્મિક સ્થાનો અને હોસ્પિટલોને પણ સીલ મેરી દેવા ઉપરાંત નોટિસો પણ ફટકારવામાં આવી હતી.
આવી જ રીતે શહેરના છેવાડે આવેલા દશરથ પેટ્રોલ પંપ પર વુડાની રિજનલ ફાયર ઓફિસરની ટીમ ફાયર એનઓસી સહિતની વિવિધ મંજૂરી બાબતે તપાસ માટે મોડી રાત્રે પહોંચી ગઈ હતી. જોકે આ ફાયર ટીમ સાથે પોલીસની ટીમ પણ બંદોબસ્ત અર્થે રાખવામાં નહીં આવી હોવાના અક્ષેપો થયા હતા. જોકે ફાયર એનઓસી સહિત બિલ્ડીંગ મંજૂરી અને ઓક્યુપ્રેશન સર્ટિફિકેટ વુડા ઓફિસમાંથી લેવાના હોય છે પરંતુ આ તમામ સર્ટિફિકેટો પેટ્રોલ પંપ ખાતે રાખવામાં નહીં આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આ અંગે વુંડાની રિજનલ ફાયર ઓફિસરની ટીમ અને પેટ્રોલ પંપના સ્ટાફ વચ્ચે ભારે બોલાચાલી થતા વિવાદ સર્જાયો હતો. મોડી રાતની ઘટના સંદર્ભે સઘન તપાસમાં પેટ્રોલ પંપ સ્ટાફનું કહેવું હતું કે ફાયર એનઓસી સહિત તમામ મંજૂરીઓ અમે મેળવેલી છે પરંતુ હાલમાં પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ નથી.
જેથી વચલા રસ્તા તરીકે વુડાની રિજીઓનલ ફાયર ઓફિસરની ટીમે પેટ્રોલ પંપની નોટિસ ફટકારી બે દિવસની મુદત આપવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ મામલો થાળી પડતા રિજીઓનલ ફાયર ઓફિસરની ટીમ લીલા તોરણે પરત ફરી હતી. જોકે એમ કહેવાય છે કે તપાસ માટે ગયેલી વુડાની ટીમ સાથે કોઈ પોલીસ બંદોબસ્ત નહિ હોવાથી પેટ્રોલ પંપ ખાતે તપાસમાં કોઈ વિવાદ ના સર્જાય એવા હેતુથી મામલો થાળે પાડી દેવામાં આવ્યો હતો.