સસ્તા અનાજની દુકાનમાં કાંકરા મિશ્રિત ઘઉં વિતરણ કરાતા હોબાળો
વિરપુર તાલુકાના રળિયાત ગામમાં
ગ્રાહકોએ દુકાનદારનો ઉધડો લીધો : ભેળસેળ અંગે નિષ્પક્ષ તપાસની મામલતદારને રજૂઆત
વિરપુર : મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના રળિયાતા ગામમાં સસ્તા અનાજના દુકાનદાર દ્વારા વિતરણ કરાયેલા ઘઉંમાં કાંકરા હોવાની બૂમ ઉઠી છે. આ અંગે ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ તપાસ કરવાની માંગણી કરી છે. જેમાં દુકાનદાર કે કોન્ટ્રાક્ટર કોણે ભેળસેળ કરી તે તપાસ કરવી જરૃરી બન્યું છે.
વિરપુર તાલુકાના રળિયાતા ગામની સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને માટીના રોડા મિશ્રિત ઘઉં વિતરણ કરવામાં આવતા ભારે હોબાળો મચ્યો હતો. આ દુકાન પર છેલ્લા ચાર દિવસથી માટીના રોડાવાળા ઘઉંનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાના ગ્રાહકોએ આક્ષેપ કર્યા છે. આ અંગે દુકાનદારનો ઉધડો લેતા તેણે સરકારી ગોડાઉનમાંથી જે જથ્થો આવ્યો તે જથ્થો જ વિતરણ કર્યો હોવાનો બચાવ કર્યો હતો.
માટીના કાંકરા મિશ્રિત ઘઉં મામલે મામલતદારને પણ જાણ કરાઈ છે. ત્યારે મહિસાગર જિલ્લા પુરવઠા વિભાગ આ બાબતને ગંભીરતાથી લઇ નિષ્પક્ષ તપાસ કરે તેવી માંગણી ગ્રામજનોમાં ઉઠી છે.
જો દુકાનદાર અને સરકારી ગોડાઉનના સંચાલક અથવા કોન્ટ્રાક્ટરે ઘઉંમાં ભેળસેળ કરી હોય તો તેમની સામે કડક પગલાં ભરવા પણ રેશનકાર્ડ ધારકોએ જણાવ્યું હતું.