સયાજી હોસ્પિટલની કેન્ટીનમાં હલકી કક્ષાના નાસ્તા જમવાનું વેચતા હોવાની ફરિયાદથી હોબાળો : આરોગ્ય વિભાગએ કેન્ટીન બંધ કરાવી
Vadodara Sayaji Hospital : વડોદરા શહેરમાં આવેલી રાજ્ય સરકાર સંચાલિત સયાજી હોસ્પિટલની કેન્ટીનમાં ગંભીર બેદરકારીઓ, સડેલા શાકભાજી તેમજ હલકી કક્ષાનું અનાજ જણાઈ આવતા તાત્કાલિક અસરથી સયાજી હોસ્પિટલની કેન્ટીન બંધ કરવામાં આવી હતી. સાથે સાથે આરોગ્ય વિભાગએ નમૂના પણ લીધા છે.
સયાજી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી ચારભુજા કેટરર્સના નામથી કેન્ટીન ચલાવવાનું લાઇસન્સ આરોગ્ય વિભાગ પાસેથી મેળવ્યું હતું અને બહારગામથી આવતા અને સ્થાનિક દર્દીઓના સગા સંબંધીઓ આ કેન્ટીનનો ઉપયોગ કરતા હતા. દરમિયાનમાં છેલ્લા કેટલાક દિવસથી પેન્ટીનનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યાં હલકી કક્ષાનું અનાજ અને શાકભાજીમાંથી નાસ્તા અને જમવાનું બનાવવામાં આવતું હોવાની જાણકારી ભાજપના મહિલા કોર્પોરેટર જાગૃતીબેન કાકાને મળી હતી. જે આધારે આજે તેમણે આરોગ્ય વિભાગની ટીમને સ્થળ પર બોલાવી ચેકિંગ શરૂ કરાવ્યું હતું.
આરોગ્ય વિભાગની ટીમે નાસ્તાની કેટલીક ચીજ વસ્તુઓ તથા ભજીયાના ખીરામાં દુર્ગંધ સહિત ખાંડ અને અનાજમાં જીવાત જોવા મળી હતી અને શાકભાજી વાસી જણાઈ હતી. ઉપરાંત બટાકા સડેલા અને વપરાતું પાણી પણ ડહોળું જણાયું હતું. જોકે કારીગરોએ કે કોઈએ પણ હાથમાં ગ્લોવ્ઝ અને માથે ટોપી પણ પહેરી ન હોવાની વિગતો બહાર આવી છે.
રાજ્ય સરકાર સંચાલિત સયાજી હોસ્પિટલમાં પેશન્ટ માટે ભોજન અને તેમના સગાઓને નાસ્તા પાણી માટે કેન્ટીન કાર્યરત છે. આ કેન્ટીનમાં ખાવા પીવાની કેટલીક ચીજ વસ્તુઓમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેથી આ કેન્ટીનમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન ખાણીપીણીની ચીજ વસ્તુઓ વાસી હોવાનું જણાયું હતું. ઉપરાંત પેશન્ટોના સગા જમવા આવે ત્યારે તેમને અપાતી રોટલીનો ઢગલો પણ ખુલ્લો જણાયો હતો અને તૈયાર લોટ પણ ખુલ્લી જગ્યામાં પડ્યો હોવાથી મોટા પ્રમાણમાં માખીઓનો પણ બણબણાટની ફરિયાદો મળતા મહિલા કાઉન્સિલર જાગૃતીબેન કાકા એસએસજીની કેન્ટીનમાં પહોંચી ગયા હતા. જ્યા ભોજનમાં વપરાતા શાકભાજી વાસી જણાયા હતા અને બટાકા પણ સડેલા નજરે ચડ્યા હતા, જ્યારે ખાંડ અને અનાજમાં જીવાતો જણાઈ હતી. જોકે નાસ્તામાં અપાતા ભજીયામાં પણ વાસીની દુર્ગંધ જણાતી હતી.
આ ઉપરાંત ચોખ્ખાઈ માટે કેન્ટીન સંચાલકના હાથમાં ગ્લોવ્ઝ કે પછી માથે ટોપી પણ પહેરવામાં આવી ન હતી. આવી હાલત તમામ કારીગરોની પણ હતી. કેન્ટીનમાં ભોજન અને નાસ્તા માટે આવેલા લોકોને ખાણીપીણીની ચીજ વસ્તુઓ આપનારાએ પણ ગ્રાહકની તંદુરસ્તી બાબતે કોઈ કાળજી લીધા વિના ખુલ્લા હાથે આપતા નજરે ચઢ્યા હતા. જોકે રોટલી માટે તૈયાર કરવામાં આવેલો લોટ પણ ખુલ્લો જણાયો હતો અને તૈયાર રોટલીઓ ખુલ્લા વાસણમાં પડી હતી.
આવી ગંભીર બેદરકારીઓને કારણે પાલિકાના આરોગ્ય વિભાગને તત્કાલ જાણ કરવામાં આવી હતી જેથી આરોગ્ય વિભાગની ટીમના ઉચ્ચ અધિકારીઓ કેન્ટીન ખાતે આવી વિવિધ ખાણી પીણીની ચીજ વસ્તુઓના નમુના લેવામાં આવ્યા હતા. સાથે-સાથે ચારભુજા કેટરર્સના સંચાલકને નોટીસ આપી 15 દિવસમાં તમામ ખામી દૂર કરવા સૂચના આપી છે ત્યાં સુધી કેન્ટીન બંધ કરવામાં આવી છે.