વડોદરાની મધ્યમાં કોર્પોરેશન દ્વારા ઢોરવાડો બનાવવાની તૈયારી શરૂ કરતા રહીશોનો હોબાળો

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
વડોદરાની મધ્યમાં કોર્પોરેશન દ્વારા ઢોરવાડો બનાવવાની તૈયારી શરૂ કરતા રહીશોનો હોબાળો 1 - image


વડોદરા,તા.1 ડિસેમ્બર 2023,શુક્રવાર

વડોદરા શહેરની મધ્યમાં આવેલ નવાપુરા કેવડાબાગ બેઠક મંદિર સામે શાકભાજી બજારની ખાલી પડેલી જગ્યા પર પાલિકા તંત્ર દ્વારા ઢોરવાડો બનાવવાની હિલચાલ શરૂ થતા સ્થાનિક રહીશો અને અહીંના વેપારીઓએ તેનો વિરોધ નોંધાવ્યો છે. ઉપરાંત ભાયલીના બદલે અહીં ઢોરવાડો શિફ્ટ થાય તેવી ચર્ચાના પગલે તેઓએ આ મામલે પાલિકાની વડી કચેરીએ જઈ રજૂઆત કરશે તેવું નિવેદન આપ્યું છે.

શહેરની મધ્યમાં આવેલા કેવડાબાગ બેઠક મંદિર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ શાકભાજી માર્કેટ વર્ષો અગાઉ કાર્યરત હતું. એને બંધ કરી સયાજીપુરા ખાતે લઈ જવામાં આવ્યું છે. જેથી વર્ષોથી અહીં જગ્યા ખાલી પડેલી છે. ત્યારે પાલિકા તંત્રએ ભાયલી ખાતે એક ઢોરવાડો બનાવવાનું આયોજન હાથ ધર્યું હતું. પરંતુ ત્યાંના રહીશોએ ઢોરવાડા સામે વિરોધ નોંધાવતા આ ઢોરવાડો હવે કેવડાબાગ સામે આવેલ બંધ શાકભાજી બજારની જગ્યામાં શિફ્ટ કરવામાં આવે તેવી હિલચાલની જાણ સ્થાનિક રહીશો અને અહીંના વેપારીઓને થઈ હતી. જેથી તેઓએ અહીં ઢોરવાડો બનાવવા સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમનું જણાવવાનું છે કે, અહીં ઢોરવાડો બનતા સ્થાનિક વિસ્તારમાં મુશ્કેલીઓ વધી જશે. ઢોરવાડો જો અહીં બનાવવામાં આવશે તો અમે તેનો વિરોધ કરીશું. અમે અહીં વર્ષોથી દુકાનનું ભાડું ભરી ભાડુઆત તરીકે પોતાનો વ્યવસાય કરી રહ્યા છીએ. અહીં ઢોરવાડો ન આવવો જોઈએ. આ મામલે સ્થાનિક રહીશોએ પણ વિરોધ નોંધાવવા સાથે તેઓએ ભેગા મળીને આ મામલે પાલિકાના સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું છે. પોતાની માંગ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલનનો રસ્તો અપનાવશે.


Google NewsGoogle News