ગોરવામાં સ્વામી વિવેકાનંદ હાઇટ્સમાં આવાસો ન અપાતા લાભાર્થીઓનો હોબાળો
એગ્રીમેન્ટ ફોર સેલ મુજબ સમય પૂરો થવા છતાં આવાસોની ફાળવણી કરાતી નથી ઃ લોન અને ભાડાની રકમનો બોજ
વડોદરા, તા.18 ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગોરવા વિસ્તારમાં સ્વામિ વિવેકાનંદ હાઇટ્સ-૩ના તૈયાર કરવામાં આવેલ આવાસોની સોંપણી નહી કરાતા તેમજ લાભાર્થીઓને પેનલ્ટીની નોટિસો ફટકારાતા લાભાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. આજે મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસમાં બેનરો સાથે પહોંચી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર રજૂઆત કરી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના સ્કિમ હેઠળ ઇડબલ્યુએસ-૨ ફેઝ-૫ ગોરવા દશામા મંદિર પાસે ૧૫૬૦ આવાસો ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગરીબ અને નાના વર્ગના પરિવારના સભ્યોને ઘરનું ઘર મળી રહે તે માટે બે રૃમ રસોડાના ફ્લેટની સ્કિમ અમલમાં મૂકાઇ હતી. હજી સુધી લાભાર્થીઓને આવાસોના અધૂરા કામના કારણે ફાળવણી કરવામાં આવી નથી અને રેરા કાયદા મુજબ ૮ ટકા વાર્ષિક ધોરણે પેનલ્ટી ભરવાની નોટિસો લાભાર્થીઓને ફટકારવામાં આવી છે.
લાભાર્થીઓ આજે ગુજરાત હાઉસિંગ બોર્ડની ઇલોરાપાર્ક ખાતેની કચેરીએ મોરચો લઇને પહોંચ્યા હતા અને આક્ષેપો કર્યા હતા કે બોર્ડ દ્વારા આવાસનો કબજો ૨૦૨૨ સુધીમાં આપવાનો હતો પરંતુ કબજો સોંપાયો ન હતો. એગ્રીમેન્ટ ફોર સેલ મુજબ બોર્ડ દ્વારા ફરીવાર ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં કબજો સોંપવાનો હતો પરંતુ તેમાં પણ બોર્ડ નિષ્ફળ રહ્યું છે. પેનલ્ટી ભરપાઇ ના કરીએ તો દસ્તાવેજ કરી આપતા નથી. જેમના દસ્તાવેજ થઇ ગયા છે તેમને ઘરના ઘરની સોંપણી પણ કરી નથી.
પેનલ્ટી માફ કરો, પેનલ્ટી માફ કરોના સૂત્રોચ્ચાર સાથે લાભાર્થીઓએ જણાવ્યું હતું કે દોઢ વર્ષથી ભાડા અને લોનના હપ્તા ભરીએ છીએ, આવકની મોટા ભાગની રકમ ભાડા અને લોનના હપ્તામાં જતી રહી છે જેથી વહેલીતકે પ્રશ્નનું નિરાકરણ લાવી કબજો સોંપી પેનલ્ટી માફ કરવી જોઇએ તેવી રજૂઆતો આજે લાભાર્થીઓ દ્વારા બોર્ડમાં કરવામાં આવી હતી.