તરસાલી-આઇટીઆઇ ખાતે સાંજે પોર્ટલ ખુલતું હોવા છતાં સવારથી બોલાવાયેલા 500 વિદ્યાર્થીઓનો હોબાળો
- પાણી અને ભૂખથી તરફડતા વિદ્યાર્થી-વાલીઓ માટે ચા પાણી- નાસ્તાની વ્યવસ્થા કરાઈ: સંકુલના કુલરમાંથી પાણીના નળ ગાયબ હતા
વડોદરા,તા.24 ઓગસ્ટ 2023,ગુરૂવાર
વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલ તરસાલી આઈટીઆઈ ખાતે એડમિશન બાબતે પોર્ટલ સાંજે 5 વાગે ખૂલતું હોવા છતાં તંત્ર દ્વારા સવારે છ વાગ્યાથી વિદ્યાર્થીઓને બોલાવી લેવાયા હતા. પાણી સહિત નાસ્તાની કોઈ વ્યવસ્થા નહીં હોવા છતાં વહેલી સવારથી લાઈનમાં ઉભેલા 500 જેટલા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. પાણી અને ભૂખથી તરસતા તમામ વિદ્યાર્થીઓ માટે એબીવીપી પાંખે પાણી અને નાસ્તાની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરી હતી.
આધારભૂત સૂત્રોએ જણાવેલી વિગત એવી છે કે તરસાલી આઈ.ટી.આઈ ખાતે વિદ્યાર્થીઓને એડમિશન બાબતે ફોર્મ ભરવા અને એની ચકાસણી માટે સવારે 6 વાગ્યાથી બોલાવી લેવાયા હતા. શહેર સહિત આસપાસના ગામડાઓમાંથી આશરે 500 જેટલા વિદ્યાર્થીઓ વાલીઓ સાથે આવી નિયત સમયે લાઈનમાં ઊભા રહી ગયા હતા. સમય વ્યતીત થવા છતાં વિદ્યાર્થીઓના એડમિશન બાબતે કોઈ કાર્યવાહી શરૂ થઈ ન હતી.નામે કેટલાક વિદ્યાર્થીઓએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આઈટીઆઈ નું પોર્ટલ સાંજે 5 વાગે ખુલે છે. બાદ જ એડમિશનની પ્રક્રિયા અને ફોર્મની ચકાસણી થશે. સાંજે 5 વાગે આઈટીઆઈનું પોર્ટલ ખુલતું છતાં વિદ્યાર્થીઓને કેમ બોલાવવામાં આવ્યા એ બાબતે ઉપસ્થિત સૌ કોઈ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.
જો કે આઈ ટી આઈના કેમ્પસમાં પેશાબ પાણી માટે કોઈ વ્યવસ્થા હતી નહીં ઉપરાંત વોટર કુલરમાં પણ નળ ન હતા જેથી વિદ્યાર્થીઓ તરસ અને ભૂખથી ત્રાસી ગયા હતા.આ બાબતે જાણ થતાં જ શહેરના મેયર નિલેશ રાઠોડ સહિત અન્ય પદાધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વિદ્યાર્થીઓની સમસ્યા ઉકેલવા તત્કાલ ધોરણે આઈ.ટી.આઈ સ્ટાફને જણાવ્યું હતું.દરમિયાન ઘટનાની જાણ થતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાઓ કાર્યકરો સાથે આઈટીઆઈ કેમ્પસમાં પહોંચી ગયા હતા.જ્યાં તપાસ કરતા પ્રિન્સિપાલ ઉપસ્થિત ન હતા અને કામકાજ અંગે ગાંધીનગર ગયા હોવાની જાણ થઈ હતી જ્યારે બીજી બાજુ એમની અવેજીમાં કોણ છે એવું પૂછતા કાંઈ યોગ્ય પ્રત્યુતર મળ્યો ન હતો. જોકે વિદ્યાર્થીઓને પૂછતા પાણી અને નાસ્તા વિના વાલીઓ સહિત વિદ્યાર્થીઓ તડપી રહ્યા હોવાનું ઉપસ્થિત સૌ કોઈએ જણાવ્યું હતું જેથી એબીવીપીના નેતાઓ સહિત કાર્યકરો દ્વારા તાત્કાલિક ધોરણે પીવાના પાણી ની અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી. આમ સૌથી મોટો સવાલ એ છે કે આઈ ટી આઈ નું પોર્ટલ સાંજે 5:00 વાગે ખુલતું હોવાનું જાણવા છતાં વિદ્યાર્થીઓને વહેલી સવારે બોલાવીને હેરાન કરવા બાબતે આઈ.ટી.આઈ સ્ટાફનું સુવિધાઓ હતો એ બાબતે ચર્ચાનો વિષય બન્યો છે.