100થી વધુ ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા હલ્લાબોલ : ડીન ઓફિસનો ઘેરાવો કર્યો

આખરે ખાનગી પ્રિન્ટરને લોગબુક પ્રિન્ટ કરવાનો ઓર્ડર અપાયો, અધિકારીઓ દ્વારા એક બીજા પર જવાબદારી ઢોળવાનો પ્રયાસ

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
100થી વધુ ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા હલ્લાબોલ : ડીન ઓફિસનો ઘેરાવો કર્યો 1 - image


વડોદરા : બરોડા મેડિકલ કોેલેજમાં ઇન્ટર્ન ડોક્ટરોનો લોગબુકનો પ્રશ્ન હજુ સળગી રહ્યો છે.આજે ૧૦૦થી વધુ ઇન્ટર્ન ડોક્ટરો એકઠા થઇને ડીન ઓફિસ પહોંચીને ઘેરાવ કર્યો હતો. જો કે શરૃઆતમાં ડીને ઇન્ટર્ન ડોક્ટરોને મળવાનો ઇન્કાર કર્યા બાદ આખરે તેઓએ ડોક્ટરો સાથે વાત કરી હતી અને છેલ્લે ખાનગી પ્રિન્ટરને લોગબુક પ્રિન્ટ માટે આપવા માટે નિર્ણય થયો હોવાનું જાણવા મળે છે.

સમસ્યા : ઇન્ટર્નશિપ પૂર્ણ થઇ ગઇ છતાં હજુ સુધી લોગબુક અપાઇ નથી

આ અંગે ડીન ડો.એ.વી.ગોખલે સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે 'મે ત્રણ મહિનાથી જ ચાર્જ સંભાળ્યો છે. હકિકતે ઇન્ટર્નશિપ ચાલુ થાય ત્યારે જ લોગબુક આપી દેવાની હોય છે પરંતુ મારી આગળના અધિકારીઓએ આવુ કેમ ના કર્યુ તે આશ્ચર્યનો વિષય છે. આ મામલે અમે પણ તપાસ કરી રહ્યા છીએ. જો કોઇ કર્મચારીની બેદરકારી સામે આવશે તો અમે ચોક્કસ પગલા પણ લઇશું. આજે પ્રશ્નનું સમાધાન થઇ ગયુ છે અને લોગબુક ટુંક સમયમાં ઇન્ટર્નને મળી જશે.'

સ્ટૂડન્ટ સેક્શનના વિરેન્દ્ર વાડજીયાનું કહેવું છે કે 'આ વખતે એનએમસી (નેશનલ મેડિકલ કાઉન્સિલ) દ્વારા લોગબુકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. એ ફેરફારની જવાબદારી એમઇયુ કમિટીની છે. કમિટી તરફથી અમને જ્યાં સુધી સુચના ના મળે ત્યાં સુધી અમે લોગબુક પ્રિન્ટમાં આપી શકીએ નહી'

આ અંગે એમઇયુ કમિટીના ડો.મહુવા મોઇત્રાએ કહ્યું હતું કે 'લોગબુકમાં સૂચિત ફેરફારની જવાબદારી અમારી નથી. તેમ છતાં કોલેજના અને ઇન્ટર્નના હિતમાં અમે તે કામ કરી આપ્યું અમને ત્રણ મહિના પહેલા આ અંગે કામગીરી સોંપવામાં આવી હતી તે પૂર્ણ કરીને એક મહિના પહેલા જ આપી દીધી. તે બાદ લોગબુક પ્રિન્ટ કેમ કરવામાં ના આવી તેની જાણકારી નથી.'


Google NewsGoogle News