વડોદરામાં વાવાઝોડા બાદ 30 થી 35 સોસાયટીઓમાં 3 દિવસથી વીજ પુરવઠો યથાવત નહીં થતાં અને સ્માર્ટ મીટર મુદ્દે મોડી રાત્રે ફરી લોકોનો હોબાળો
Uproar at MGVCL Office Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાવાઝોડા બાદ છેલ્લા ત્રણ દિવસથી અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો રહેતા ત્રણથી ચાર કલાક લાઇટો ગુલ થઈ જવાને કારણે ગઈકાલે રાત્રે ફરી એકવાર તાંદળજા અકોટા વિસ્તારની 35 થી 40 સોસાયટીમાં લાઈટો ત્રણ કલાકથી બંધ થઈ જતા લોકોના ટોળા MGVCLની પશ્ચિમ ઝોન અકોટા સ્થિત કચેરી ખાતે ફરિયાદ કરવા ઉમટી પડ્યા હતા પરંતુ સ્થળ પર કોઈ અધિકારી નહીં હોવાથી લોકોએ હોબાળો મચાવ્યો હતો.
જુના પાદરા રોડ, તાંદળજા-અકોટા વિસ્તારની અનેક સોસાયટીઓમાં છેલ્લા ત્રણ દિવસથી લાઈટનો પુરવઠો યથાવત નહીં થતાં ગઈકાલે રાત્રે ફરી એકવાર સ્માર્ટ મીટર અને અવારનવાર લાઈટો ગુલ થતાં લોકોએ હોબાળો મચાવ્યો હતો.
જુના પાદરા રોડ પર આવેલી મધુરમ, જલારામ, રાજલક્ષ્મી સહિતની 30 થી 35 સોસાયટીમાં અવારનવાર લાઈટો ગુલ થઈ જતી હોવાને કારણે લોકોએ આજે ફરી એકવાર MGVCLની કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. સ્થાનિક રહીશો MGVCLની કચેરી ખાતે ફરિયાદો કરવા ઉમટી પડ્યા હતા પરંતુ કચેરીમાં કોઈ અધિકારી હાજર નહીં રહેતા લોકોનો આક્રોશ જોઈને કર્મચારીઓએ તાત્કાલિક પોલીસને બોલાવી લીધી હતી. ત્યારે પોલીસ સાથે પણ લાઈટ અને સ્માર્ટ મીટર મુદ્દે રકઝક થઈ હતી. પરંતુ પોલીસે સંયમતાપૂર્વક લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.
સ્થાનિક લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી કે કોઈના લાઈટ બિલના નાણા ભરવામાં વિલંબ થાય છે તો તુરંત MGVCLના અધિકારીઓની ટીમ આવીને લાઈટ કનેક્શન આપી જતું હોય છે ત્યારે હવે છેલ્લા ત્રણ દિવસથી અવારનવાર ત્રણથી ચાર કલાક લાઇટો બંધ થઈ જાય છે સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે તેમ છતાં લાઈટો ગુલ થઈ જાય છે. તો પછી સ્માર્ટ મીટર લગાડવાનું મતલબ શું છે. લાઈટો બંધ થતાં સિનિયર સિટીઝન હોય કે પછી બાળકોને મુશ્કેલી પડી રહી છે તેમ છતાં MGVCLના અધિકારીઓ સાંભળતા નથી ફોન કરવામાં આવે છે તો ફોન એન્ગેજ અથવા તો ઉપાડીને બાજુ પર મૂકી દેવામાં આવે છે. જેથી આજે ફરિયાદ નોંધાવવા માટે અસંખ્ય લોકો આવ્યા છે. છતાં કોઈ અધિકારી હાજર નથી જેથી અધિકારીને બોલાવવા માંગણી કરી છે છતાં કોઈ અધિકારી આવતા જ નથી.