ગાંધીનગર વસાહત સંઘે મહામંડળે બનાવેલી કેક કાપી નાખતાં હોબાળો

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
ગાંધીનગર વસાહત સંઘે મહામંડળે બનાવેલી કેક કાપી નાખતાં હોબાળો 1 - image


પાટનગરના ૬૦માં સ્થાપનાદિનની ઉજવણી પ્રસંગે

છેલ્લા ૩૫ વર્ષથી ગાંધીનગરના જન્મદિનની ઉજવણી કરતા મહામંડળના કાર્યક્રમ પહેલા મહાસંઘે કબજો જમાવી દીધો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના ૬૦માં સ્થાપના દિને છેલ્લા ૩૫ વર્ષની જેમ આ વખતે પણ વસાહત મહા મંડળ દ્વારા જીઇબી ખાતે ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો હતો. જો કે, સવારે ૯-૩૦ પહેલા જ વસાહત મહાસંઘે અહીં કાર્યક્રમ ગોઠવી દીધો હતો એટલુ જ નહીં, વસાહત મહામંડળે બનાવેલી કેક કાપીને વસાહત મહાસંઘે ઉજવણી કરી દીધી હતી.બીજાએ બનાવેલી કેક કાપીને ઉજવણી કરનારા વસાહત મહાસંઘને મહામંડળના મહિલા હોદ્દેદારે હોલમાં જ સંભળાવી દિધું હતું જે વિડીયો પણ વાયુવેગે વાયરલ થયો હતો અને મહાસંઘની નીતિ સામે પણ નાગરિકોએ ફિટકાર વરસાવ્યો હતો.

પાટનગર ગાંધીનગરની રચના બાદ સૌથી પહેલી ઇંટ જ્યા મુકાઇ હતી તે જીબીઇના ગેસ્ટ હાઉસ ખાતે છેલ્લા ૩૫ વર્ષથી શહેર વસાહત મહામંડળ દ્વારા દિપ પ્રાગટય અને કેક કટીંગ સાથે વૃક્ષારોપણ કરીને ઉજવણી કરે છે ત્યારે આજે તા.૨ ઓગસ્ટના રોજ સવારે ૯-૩૦ કલાકે જીઇબી ખાતે આવેલી તક્તી પૂજન કરીને ત્યાં દિપ પ્રાગટય વિધી કરવામાં આવી હતી તે પહેલા શહેર વસાહત મહાસંઘ દ્વારા શહેર વસાહત મહામંડળ દ્વારા બનાવવામાં આવેલી કેક કાપી દીધી હતી વસાહત સંઘની કેક નહીં હોવા છતા પણ મહામંડળે બનાવેલી કેક કાપી દેવામાં આવતા મહામંડળના હોદ્દેદારોમાં ભારે નારાજગીની સાથે રોષ ફેલાયો હતો. એટલુ જ નહીં, તેમણે વસાહત મહાસંઘની નીતિ સામે પણ આક્ષેપો કરતા હોલમાં જ હોબાળો મચાવ્યો હતો. મહામંડળના મહિલા હોદ્દેદાર અને નગરના અગ્રણી ડો. ચેતના બુચે રોષ પ્રગટ કરતા કાર્યક્રમને ન છાજે તેવું વર્તન કરનાર મહાસંઘના હોદ્દેદારોને હોલમાં જ ખરી ખોટી સંભળાવી દીધી હતી. વસાહત મહાસંઘે કેક કાપીને ઉજવણી-ઉત્સાહનો કાર્યક્રમ ગંભીર કરી દીધો હતો. જો કે, બાદમાં મેયર,સ્ટેન્ડીંગ ચેરમેન, કમિશનર, કલેક્ટર, વસાહત મહામંડળના અરૃણ બુચ સહિતના હોદ્દેદારો-નાગરિકો દ્વારા ફરી કેક કાપીને નગરના ૬૦માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. 


Google NewsGoogle News