સ્માર્ટ મીટર સામે સ્વયંભૂ આક્રોશ, સમા વિસ્તારમાં વીજ કચેરી પર હલ્લા બોલ, એક વૃધ્ધ મહિલાએ રડતા રડતા કહ્યું કે....
Smart Meter Controversy Vadodara : વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર સામેના સ્વયંભૂ વિરોધની આગ અલગ અલગ વિસ્તારોમાં ઝડપભેર પ્રસરી રહી છે. આજે સમા વિસ્તારના રહેવાસીઓનો મોરચો સ્માર્ટ મીટરના વિરોધમાં જીઈબીની સમા વિસ્તારની કચેરી ખાતે પહોંચ્યો હતો. લોકોએ જીઈબીની કચેરી માથે લીધી હતી અને ભારે હોબાળો મચાવીને રામધૂન બોલાવી હતી તેમજ એમજીવીસીએલ તથા સરકારના હાય...હાયના નારા બોલાવ્યા હતા.
આ ટોળામાં સેંકડો મહિલાઓ પણ સામેલ હતી અને આ પૈકીના એક વૃધ્ધ મહિલા તો રજૂઆત કરતા કરતા રડી પડયા હતા.તેમણે કહ્યુ હતુ કે, હું તો ભાડે રહું છુ અને મારા ઘરની મહિનાની આવક 10000 રૂપિયા પણ માંડ છે. મારી ઘરે જ્યારે સ્માર્ટ મીટર લગાવવા માટે આવ્યા ત્યારે મેં તેમને કહ્યું હતું કે, હું તો ભાડે રહું છું અને મારે તમારૂ સ્માર્ટ મીટર નથી જોઈતુ ત્યારે તેમણે મને કહ્યું હતું કે, જો નવુ મીટર નહીં લગાવવા દો તો અમે તમારૂ જૂનુ મીટર લઈ જઈશું અને તમારે ફરી મીટર જોઈતુ હશે તો 5000 રૂપિયા દંડ ભરવો પડશે. તેમણે મકાન માલિકને ફોન કરીને બોલાવ્યા હતા અને સ્માર્ટ મીટર લગાવી દીધું હતું. તે વખતે ખબર નહોતી કે આવા ભવાડા આ લોકો કરવાના છે...
મહિલાએ રડતા રડતા કહ્યું હતું કે, પહેલા તો બિલ ભરવા માટે સમય પણ મળતો હતો અને હવે તો તરત જ પૈસા આપવાના હોય છો તો પૈસા ક્યાંથી કાઢવાના ..ગરીબ માણસો બોલી પણ નથી શકતા..ખાવા માટે પૈસા રાખીએ કે નહીં..મોદીને બટાકાનો ભાવ પણ ખબર છે ખરો...બધાને પોતાના ખિસ્સા ભરવા છે..ગરીબ માણસ કેવી રીતે જીવી છે તેની ખબર છે ખરી? ગરીબ માણસોના મત પર મોદી જીત્યા છે...
- 3 દિવસમાં તમારા મીટરો કાઢી જાવ
ટોળામાં હાજર ઘણા લોકોએ પોતાનુ બિલ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વધારે આવ્યુ હોવાની ફરિયાદો કરી હતી. લોકોએ વીજ કચેરીમાં ડેપ્યુટી એન્જિનિયરને કહ્યું હતું કે, ત્રણ દિવસમાં તમારા સ્માર્ટ મીટરો કાઢીને જૂના નાંખી જાવ, નહીંતર અમે ફરી આંદોલન કરીશું.
- 29 એપ્રિલે સ્માર્ટ મીટર લાગ્યા બાદ 1300 બિલ આવી ગયુ છે
અન્ય એક રહેવાસીએ કહ્યું હતું કે, મારૂ બે મહિનાનુ બિલ 1274 રૂપિયા આવ્યુ હતુ. 29 એપ્રિલે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ અત્યાર સુધીનું બિલ 1300 રૂપિયા આવી ગયુ છે. મારૂ કનેક્શન કપાયુ તો મારે ફરી રિચાર્જ કરવું પડયું છે.
- 3500 રૂપિયા જમા હતા, જોત જોતામાં 2700 કપાઈ ગયા
એક મહિલાએ કહ્યું હતું કે, મારા 3500 રૂપિયા જમા બોલતા હતા. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ જોત જોતામાં 2700 રૂપિયા કપાઈ ગયા હતા. અમને કશી ખબર પડતી નથી. અમારી પાસે તો સ્માર્ટ ફોન પણ નથી.
- બે મહિનાનુ બિલ 2500 આવતું હતું અને 20 દિવસમાં જ 2200 કપાઈ ગયા
અન્ય એક રહેવાસીએ જણાવ્યું હતું કે, મારૂ બે મહિનાનુ બિલ 2500 રૂપિયા જેટલુ આવતું હતું અને સ્માર્ટ મીટર લાગી ગયા બાદ 20 દિવસમાં જ 2200 રૂપિયા કપાઈ ગયા છે..આવુ કેવી રીતે શક્ય બને તે સમજાતુ નથી..
- કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને ઘરે બેસાડીશું
એક સ્થાનિક આગેવાને આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, ગરીબ અને મિડલ ક્લાસને સ્માર્ટ મીટરની કોઈ જાણકારી નથી..સ્માર્ટ મીટર લગાવવા હોય તો ઉદ્યોગપતિઓના ઘરે લગાવો...સરકાર જો વીજ મીટરો લગાવવા માટે બળજબરી કરશે તો અમે ગાંધીનગર સુધી પણ આંદોલન કરીશું, જનતા આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને ઘરે બેસાડશે.
- લોકો અરજી આપે, અમે સંતોષકારક કાર્યવાહી કરીશું
દરમિયાન વીજ કંપનીના અધિકારીએ પણ સ્વીકાર્યુ હતું કે, લોકોમાં સ્માર્ટ મીટર લગાવતા પહેલા બહોળો પ્રચાર કરવાની જરૂર છે અને અમે લોકોને કહ્યું છે કે, તમને કોઈ સમસ્યા હોય તો અરજી આપો. અમે લોકોના ઘરે ચેક મીટર બેસાડવા માટે તૈયાર છે અને તેમને વીજ બિલની ગણતરી સમજાવવા માટે પણ તૈયાર છે. સ્માર્ટ મીટરો પાછા લેવાની લોકોની જે લાગણી છે તે હું ઉપરી અધિકારીઓ સુધી પહોંચાડીશ.