વડોદરામાં સુરસાગર-મ્યુઝિક કોલેજની આસપાસના વિસ્તારમાં દબાણો હટાવતા હોબાળો
- નવા બજાર, મંગળ બજાર લેરીપુરા વિસ્તારમાં દબાણોથી ચાલવાની જગ્યા નથી એ તંત્રને કેમ દેખાતું નથી?: હપ્તાનું રાજકારણ કે પછીનું દબાણ? ના આક્ષેપો
વડોદરા,તા.10 ઓક્ટોબર 2023,મંગળવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા ગઈ રાત્રે સુરસાગરની આસપાસના લારી ગલ્લા હટાવવાની કામગીરી દરમિયાન લારી ગલ્લાવાળાઓએ આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો.
હાલ નવરાત્રી અને દિવાળીના તહેવારો નિમિત્તે શહેરના ચાર દરવાજા વિસ્તાર મંગળ બજાર અને નવા બજારમાં ગેરકાયદે દબાણનો રાફડો ફાટ્યો છે અને લોકોને અવરજવરની પણ જગ્યા રહેતી નથી ઉપરાંત ટ્રાફિકજામના દ્રશ્યો કલાકો સુધી સર્જાયા કરે છે ત્યારે પોલીસ માત્ર મુક થઈને બધું જોયા કરે છે અને હપ્તાનું રાજકારણ આ વિસ્તારમાં ગરમાયું હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે. જ્યારે બીજી બાજુ સુરસાગર મેન રોડ પર રસ્તાની બંને બાજુએ ઉભી રહેતી ખાણીપીણીની લારીઓ ગલ્લાઓ અને પથારાવાળાઓ પર મોડી સાંજથી રાત્રિના બે વાગ્યા સુધી દબાણ શાખાની ટીમે દબાણો હટાવી કરેલી કાર્યવાહીમાં ચાર ટ્રક ભરીને લારી ગલ્લા પથારા ખુરશીઓ ટેબલ જમા લઈને અટલાદરા સ્ટોરમાં મુકાવ્યા છે.
જોકે દબાણ શાખાની કામગીરી દરમિયાન સુરસાગર આસપાસના પથારા વાળાઓએ હોબાળો મચાવ્યો હતો અને તંત્રને મંગળ બજાર નવાપુરા લહેરીપુરાના દબાણો કેમ દેખાતા નથી ત્યાં કયા રાજકારણીની કે પોલીસની મીઠી નજર છે એ સમજાતું નથી તેવી રજૂઆત કરી હોબાળો મચાવ્યો હતો.
શહેરભરમાં ચારે બાજુએ ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે અને રાહદારીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે તેમાંય ખાસ કરીને મંગળ બજાર નવા બજાર અને લહેરીપુરા વિસ્તારમાં ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે. વાહન વ્યવહારનો ચક્કાજામ વારંવાર થાય છે આ વિસ્તારોમાંથી પોલીસ વારંવાર પસાર થતી હોવા છતાં કોઈપણ અધિકારી કે પોલીસ કર્મી એક હરફ પણ વિચારવા તૈયાર નથી. દરમિયાન સમી સાંજે વાહન વ્યવહાર અને ટ્રાફિક થી ધમધમતા સુરસાગર તળાવ અને મ્યુઝિક કોલેજના રોડ પરના બંને બાજુના દબાણો હટાવવા બાબતે પાલિકા તંત્રના દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી.
પરિણામે ખાણીપીણી લારી ગલ્લાવાળાઓમાં નાસભાગ મચી હતી પરંતુ દબાણ શાખાની ટીમનો સ્ટાફ ચારે તરફથી લારી ગલ્લા પથારા વાળાને ઘેરી વળ્યો હતો અને ઠેકઠેકાણેથી ગેરકાયદે દબાણો સુરસાગર મ્યુઝિક કોલેજ રોડના બંને સાઇડ પરથી કુલ ચાર ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. જેમાં લારી ગલ્લા પથારા ખુરશી ટેબલ તથા અન્ય ચીજ વસ્તુઓ વસ્તુઓ કબજે લઈને અટલાદરા સ્ટોરમાં જમા કરાવ્યો છે.
દરમિયાન લારી ગલ્લા પથારાવાળાઓએ દબાણ શાખાની આ કાર્યવાહી સામે ભારે હોબાળો મચાવ્યો હતો અને તમને નવાબજાર લહેરીપુરા મંગળબજાર નવાપુરાના દબાણો કેમ દેખાતા નથી કે ત્યાં કેમ કાર્યવાહી કરતા નથી. આ બાબતે શું રાજકારણ છે કે પછી કોઈ હપ્તાનું રાજકારણ છે તેવા સવાલો કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. દબાણ શાખાની સમી સાંજે શરૂ થયેલી કાર્યવાહી આ વિસ્તારમાં મોડી રાત્રે અંદાજિત બે વાગ્યા સુધી ચાલી હતી.