હોમસાયન્સ ફેકલ્ટીની વિદ્યાર્થિનીએ નકામી પડી રહેલી જગ્યાને બગીચામાં ફેરવી નાંખી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના ઈન્ટિરિયર ડિઝાઈનિંગના માસ્ટર્સ કોર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફેકલ્ટીમાં નકામી પડી રહેલી જગ્યાને ખૂબસુરત બગીચામાં બદલી નાંખી છે.જેના કારણે હવે ફેકલ્ટીના સ્ટુડન્ટસને નવરાશના સમયમાં બેસવા માટે એક વધારાની અને સુંદર જગ્યા ઉપલબ્ધ થઈ છે.
એમએસસી ઈન ઈન્ટિરિયર ડિઝાઈનિંગની વિદ્યાર્થિની ક્રિષ્ણા પ્રધનાનીએ પોતાના અભ્યાસના ભાગરુપે રિસર્ચ વર્ક કરવા માટે ફેકલ્ટીમાં કેન્ટીન નજીક આવેલી અને વર્ષોથી ઉપયોગમાં નહીં લેવાયેલી લગભગ ૪૦૦૦ સ્કેવરફૂટ જગ્યામાં બગીચો બનાવવાનુ નક્કી કર્યુ હતુ.તેણે પોતાના ગાઈડ અને અધ્યાપક ડો.ઉર્વશી મિશ્રાના હાથ નીચે સતત ૬ મહિના સુધી આ પ્રોજેકટ પર કામ કર્યુ હતુ.તેણે રિસર્ચ પ્રોજેકટના ભાગરુપે માત્ર ૪૮૦૦૦ રુપિયામાં વેરાન રહેતી આ જગ્યાની કાયાપલટ કરી નાંખી છે.
ક્રિષ્ણા કહે છે કે, પહેલા તો મેં આ જગ્યા પર ઉગેલા ઝાડી ઝાંખરા કપાવ્યા હતા.એ પછી જગ્યા હરીભરી દેખાય તે માટે પ્લાન્ટ ઉગાડવાનુ નક્કી કર્યુ હતુ.ગાર્ડન માટે પસંદ કરેલી આખી જગ્યાનુ ફેન્સિંગ કર્યુ હતુ.ગાર્ડનની એક તરફ લાંબી દિવાલ છે.જેના પર વોલ પેઈન્ટિંગ બનાવ્યા હતા તથા દિવાલ પર પણ પ્લાન્ટસ લટકાવી શકાય તેવી વ્યવસ્થા કરી હતી.
વિદ્યાર્થિનીનુ કહેવુ છે કે, સ્ટુડન્ટસ અહીંયા બેસી શકે તે માટે બેઠક વ્યવસ્થા પણ છે.અહીં એક સાથે ૫૦ કરતા વધારે સ્ટુડન્ટસ આરામથી બેસી શકે છે. આ જગ્યા પર પહેલેથી કેટલાક ઘટાદાર વૃક્ષો છે.તેના પર પણ મેં ડેકોરેશન કરીને ગાર્ડનને વધારે આકર્ષક લૂક આપ્યો છે.
ક્રિષ્ણા કહે છે કે, આખો ગાર્ડન તૈયાર કરવામાં મોટાભાગે નકામી વસ્તુઓનો જ ઉપયોગ કર્યો હતો. આજે આ ગાર્ડનનો ઉપયોગ ફેકલ્ટીના સ્ટુડન્ટસ કરી રહ્યા છે તે વાતની અને ફેકલ્ટીમાં પાંચ વર્ષ અભ્યાસ કર્યા બાદ સંસ્થા માટે નાનકડુ યોગદાન આપી શકી તે વાતની ખુશી છે.
બગીચામાં કઈ વસ્તુઓનો ઉપયોગ
--કોંક્રિટ અને ગ્રેનાઈટ સ્લેબમાંથી બનેલા બાંકડા
--ફેકી દેવાયેલા ટાયરમાંથી બેસવા માટેની જગ્યા બનાવાઈ
--ફૂડ ક્રેટ અને મેટલ પેઈન્ટના ખાલી કન્ટેનર પણ બેઠક વ્યવસ્થા માટે કામ લાગ્યા
--ટાયર અને દોરડામાંથી હિંચકા બનાવીને મૂકયા
--ઈલેક્ટ્રિકલ પાઈપોનો ઉપયોગ ગાર્ડનની ફેન્સિંગ કરવા માટે કર્યો
--પ્લાન્ટસ રોપવા માટે ખાલી પ્લાસ્ટિક કેન, ઈંટો, પેવર બ્લોકનો ઉપયોગ
--દીવાલ પર વોલ પેઈન્ટિંગ્સની સાથે રંગના ડબ્બા પ્લાન્ટસ લટકાવવા માટે વાપર્યા
--વૃક્ષો પર બામ્બૂના ટુકડા, ફેંકી દેવાયેલી સીડી-ડીવીડી અને બલ્બ લટકાવ્યા