વડોદરાના હવામાનમાં પલટો: વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના અમી છાંટણા, બફારો યથાવત્
Unseasonal Rain in Vadodara : થોડા દિવસ પહેલા ભારતીય હવામાન વિભાગે આ વર્ષે ચોમાસું સરેરાશથી સારું રહેવાની આગાહી કરી હતી. જાણે આ આગાહી વરૂણદેવના હૃદયને સ્પર્શી ગઈ હોય તેમ આજે સવારથી શહેરના વાતાવરણમાં અકળ ફેરફાર થયો હતો. સવાર ઉતરતા જ શહેરનું આકાશ વાદળોની હાજરીથી ભરાઈ ગયું હતું. જો કે વાતાવરણમાં બફારો સ્હેજ પણ ઘટ્યો ન હતો.
વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના કેટલાક વિસ્તારો અને નજીકના ગ્રામ વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટાં પડયા ત્યારે ઓફિસ જનારા લોકો થોડી મુશ્કેલીમાં મુકાયા હતા અને બચવા માટે આશરો શોધતા નજરે પડ્યા હતા. વડોદરાની સાથે આ કમોસમી માવઠાની અસર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આણંદ, નડિયાદ, દાહોદ, વલસાડ સુધી વર્તાઈ હતી.
જો કે વાદળછાયા વાતાવરણ અને હળવા વરસાદને પગલે બાગાયતકારો અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલમાં આંબાઓ પર કેરીઓ લાગેલી છે ત્યારે વરસાદ કેરીની સિઝનની મજા બગાડે એવો ડર લાગી રહ્યો છે. તેની સાથે ઉનાળુ શાકભાજી અને ખેતી પાકોને નુકસાન થવાની વકીથી ખેડૂતોના હૈયે ફાળ પડી છે. જો કે ગરમીમાં તાત્કાલિક થોડીક રાહત અનુભવાય છે, પરંતુ માવઠાની આડઅસરોથી કેરી અને શાકભાજીના ભાવો વધવાની શક્યતા રહે છે. વરસાદ અટકતા સમગ્ર શહેરમાં બફારાનું સામ્રાજ્ય અનુભવાઇ રહ્યું છે.