વડોદરા શહેર અને જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ તો કેટલાક વિસ્તારમાં અમી છાંટણાથી વાતાવરણમાં પલટો
image : Freepik
વડોદરા,તા.10 જાન્યુઆરી 2024,બુધવાર
વાતાવરણમાં એકાએક પલટો આવતા વડોદરા શહેર જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો તો કેટલીક જગ્યાએ વહેલી સવારે અમી છાંટણા થયા હતા. જોકે હવામાનનો નીચો પારો 16.2 સેલ્સિયસ જેટલો રહ્યો હતો. રાજ્યમાં બે દિવસ વાતાવરણમાં પલટાની આગાહી સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા જણાવાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં આગામી બે દિવસમાં કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ કે પછી વરસાદી છાંટા પડવાની આગાહી ગઈકાલે જણાવાઈ હતી. જેની સીધી અસરમાં આજે વડોદરામાં વહેલી સવારે કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. પરિણામે શહેરના કેટલાક વિસ્તારોના રોડ રસ્તા ભીના થયેલા જણાયા હતા. પરંતુ વાતાવરણમાં થયેલા અચાનક પલટા છતાં ગઇ મોડી રાત્રે ઠંડીનો બિલકુલ અહેસાસ રહ્યો ન હતો. શિયાળાની મોસમમાં ઠંડીના ચમકારાને બદલે વાતાવરણમાં ગરમાવો રહ્યો હતો. પરિણામે વહેલી સવારે નોકરી ધંધાએ જતા નોકરીયાતો વેપારીઓને ઉની વસ્ત્રોની ખાસ જરૂર જણાઇ ન હતી.
હવામાનમાં ગઈ રાતથી વહેલી સવાર સુધીમાં સૌથી ઓછું તાપમાન 16.2 મીમી સેલ્સિયસ રહ્યું હતું. જોકે પવનની ગતિ દિશા ઈશાનથી પ્રતિ કલાક 13 કિમી જેટલી રહી હતી. આજે સવાર સુધીનું સૌથી વધુ તાપમાન 27.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે હજી આવતીકાલે પણ વાતાવરણ યથાવત એટલે કે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ કે પછી ઝાપટાં પાડવાની આગાહી યથાવત છે.