ખોદકામમાં વીજ કંપનીનો અન્ડરગ્રાઉન્ડ કેબલ કપાતા કલાકો સુધી વીજળી ગુલ
વડોદરાઃ વડોદરા કોર્પોરેશનની કંપની વડોદરા ગેસ લિમિટેડ દ્વારા આજે અકોટા વિસ્તારમાં કરવામાં આવી રહેલા ખોદકામ દરમિયાન મધ્ય ગુજરાત વીજ કંપનીનો અન્ડર ગ્રાઉન્ડ કેબલ કપાઈ જતા આ વિસ્તારના હજારો લોકોને કલાકો સુધી વીજળી વગર રહેવાનો વારો આવ્યો હતો.
મળતી વિગતો પ્રમાણે સાંજના સાડા પાંચ વાગ્યે આ ઘટના બની હતી.એ પછી મધ્ય ગુજરાત વીજ કંપનીના અકોટા સબ ડિવિઝનના અધિકારીઓ તથા કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા.અન્ડર ગ્રાઉન્ડ કેબલ કપાઈ જતા ચાર ટ્રાન્સફોર્મરને મળતો વીજ પૂરવઠો બંધ થયો હતો અને તેના કારણે ૨૦૦૦ જેટલા વીજ જોડાણોનો પુરવઠો પણ ખોરવાયો હતો.
અન્ડર ગ્રાઉન્ડ કેબલ ક્યાં કપાયો છે તે જાણવા માટે આવતીકાલ, ગુરુવાર સુધી એચટી કેબલ વાનની રાહ જોવી પડે તેમ હોવાથી વીજ કંપનીની ટીમોએ વીજ પ્રવાહ પૂરો પાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરુપે બંધ પડેલી ઓવરહેડ વીજ લાઈન ચાલુ કરવા માટેની કવાયત હાથ ધરી હતી.મળતી વિગતો પ્રમાણે રાત્રે ૧૦ વાગ્યે આ કામગીરી પૂરી થઈ હતી.આમ હજારો લોકો સાડા ચાર કલાક સુધી વીજળી વગર રહ્યા હતા.
વીજ કંપનીના અધિકારીએ કહ્યુ હતુ કે, વડોદરા ગેસ કંપનીએ ખોદકામ કરતા પહેલા અમારી સાથે સંકલન કર્યુ નહોતુ અને અમને જાણ સુધ્ધા કરી નહોતી.જો અમને જાણકારી આપી હોત તો અમે તેમને અન્ડર ગ્રાઉન્ડ કેબલ ક્યાંથી પસાર થઈ રહ્યો છે તે જણાવી શક્યા હોત અને કેબલ કપાતો પણ અટકયો હોત.ભૂતકાળમાં પણ વડોદરા ગેસ કંપની અને બીજી એજન્સીઓ સંકલન કર્યા વગર આ પ્રકારનુ ખોદકામ કરતી રહી છે.જેના કારણે કેબલ કપાવાના કિસ્સામાં હજારો લોકોને હેરાન થવાનો વારો આવતો રહ્યો છે.