નિર્મળ ગુજરાત-૨ અભિયાન હેઠળ તા.૧ થી ૧૫ સુધી શહેરમાં સફાઇ ઝુંબેશનો પ્રારંભ થશે
ધાર્મિક સ્થળો, નદી, તળાવો, હેરિટેજ બિલ્ડિંગો, બ્રિજ, માર્કેટ, હોસ્પિટલો વગેરે મળી ૫૫૮ સ્થળોએ સફાઇ
વડોદરાવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાન અંતર્ગત સફાઇ ઝુંબેશ તા.૧ થી ૧૫ જૂન સુધી ચાલવાની છે. આ માટે કોર્પોરેશનના કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષે બેઠક યોજી હતી.
આ અભિયાનમાં કુલ ૫૫૮ સ્થળો ખાતે સફાઇ કરવામાં આવશે. જેમાં ૧૫૧ એનજીઓ અને ૧૫૮૭૦ લોકો જોડાવાના છે. તા.૧ના રોજ શહેરના ૫૮ જેટલા ધાર્મિક સ્થળો, સંગ્રહાલયો, પ્રવાસન સ્થળો, હેરિટેજ ઇમારતો અને પુરાતત્વીય સ્થળોની સફાઇ કરવામાં આવશે.
તા.૨ના રોજ શહેરના તમામ એન્ટ્રી પોઇન્ટથી ૫ કિમી વિસ્તારમાં ૨૬ સ્થળે સફાઇકાર્ય કરાશે. તા.૩ના રોજ શહેરના તમામ ફલાઇ ઓવર, અંડરબ્રિજ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ સહિત ૫૫ સ્થળે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે.
તા.૪ના રોજ તમામ જાહેર માર્ગો, મુખ્ય માર્ગો અને માર્કેટ વિસ્તારોમાં પણ સઘન સફાઇ ઝુંબેશ થશે અને ૫૦ થી ૧૦૦ મીટરની અંદર સૂકા અને ભીના કચરા માટે ડસ્ટબિનનું વિતરણ થશે. તા.૫ના રોજ વિશ્વ પર્યાવરણ દિને સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતિ લવાશે.
ઉપરાંત વહીવટી ચાર્જ વસૂલવા કલેકશન ઝુંબેશ થશે. આમ તબક્કાવાર પ્રતિદિન તા.૧૫ સુધી સફાઇ થશે. જેમાં મહાપુરૃષોની પ્રતિમાઓની સફાઇ, જાહેર શૌચાલયોની સફાઇ, તમામ ખુલ્લા પ્લોટ, મેદાન, કોમન પ્લોટ, નદી-તળાવો, પાણીના સ્ત્રોતોની, ઓવરહેડ ટાંકીઓ, ફિલ્ટરેશન પ્લાન્ટ વગેરેની સફાઇ થશે.
શહેરની મુખ્ય હોસ્પિટલો, સરકારી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, પબ્લિક ટોઇલેટ્સ, સરકારી કચેરીઓની સફાઇ કરાશે અને ભંગારનો નિકાલ કરાશે.