પ્રેમ સંબંધની અદાવત રાખી યુવક પર પાઇપથી હુમલો કરતા બેભાન
યુવકને ફોન કરી ઘરની બહાર બોલાવ્યો હતો : ટોળું ભેગું થઇ જતા હુમલાખોરો ભાગી ગયા
વડોદરા,ડભોઇ રોડ પર પ્રેમ સંબંધની અદાવત રાખી યુવકને ફોન કરીને ઘરની બહાર બોલાવી પાઇપથી હુમલો કર્યો હતો. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ડભોઇ રોડ હનુમાન ટેકરી પાસે અનસુયા નગરમાં રહેતો સૌરભ ઉર્ફે વિજય રમેશભાઇ ભીલ ફાસ્ટ ફૂડની લારી ચલાવે છે.પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે હું મારા ઘરે હતો. મારે અગાઉ એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ, છેલ્લા બે વર્ષથી અમારા વચ્ચેનો સંબંધ તૂટી ગયો છે. તેમછતાંય તેના ઘરના સભ્યો મારી સાથે અદાવત રાખતા હતા. મારી પૂર્વ પ્રેમિકાએ રાતે સવા બાર વાગ્યેફોન કરીને મને કહ્યું હતું કે, તારા લીધે મારા ઘરના સભ્યોએ મને ઘરની બહાર કાઢી મૂકી છે. અને હાલમાં હું સોમા તળાવ ચાર રસ્તા પાસે ઉભી છું. તું અહીંયા આવી જા. જેથી, હું બાઇક લઇને સોમા તળાવ ચાર રસ્તા પાસે રાધે કલેક્શન નામની પાસે બાઇક પાર્ક કરીને મારી પૂર્વ પ્રેમિકા પાસે જતો હતો. તે દરમિયાન મહેશ તડવીએ મને ગળાના ભાગે પકડી લીધો હતો. હરિશ તડવીએ પાઇપથી તથા સુનિલ તડવી અને તુષારે વાંસના બાંબુ વડે મારા પર હુમલો કર્યો હતો. હરિશ તડવીએ પાઇપનો ફટકો માથામાં મારતા હું જમીન પર પડી ગયો હતો. આજે તને પૂરો કરી દેવાનો છે. તેવું કહીને મને માર મારવાનું ચાલુ રાખ્યું હતું. હું બેભાન થઇ ગયો હતો. દરમિયાન લોકોનું ટોળું ભેગું થઇ જતા હુમલાખોરો ભાગી ગયા હતા.