પદવીદાન સમારોહ માટે MSU સત્તાધીશોને મુખ્ય અતિથિ મળી રહ્યા નથી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના ૭૩મા પદવીદાન સમારોહને લઈને અનિશ્ચિતતા હજી પણ યથાવત છે.યુનિવર્સિટીને પદવીદાન સમારોહમાં દિક્ષાંત પ્રવચન આપનારા મહાનુભાવ મળી રહ્યા નથી.
આ પહેલા એવી ચર્ચા ચાલી હતી કે, એક રાજ્યના ગર્વનરને મુખ્ય અતિથિ તરીકે બોલાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે અને તા.૧૪ નવેમ્બરની આસપાસ પદવીદાન સમારોહ યોજાશે.જોકે આ અટકળો સાચી ઠરી નથી.પદવીદાન સમારોહ ક્યારે યોજાશે તેની જાણકારી વાઈસ ચાન્સેલર સિવાય કોઈની પાસે નથી.બીજી તરફ વાઈસ ચાન્સેલર મુખ્ય અતિથિ હજી સુધી નક્કી કરી શક્યા નથી.
એવું કહેવાઈ રહ્યું છે કે, વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ રાજકીય રીતે વજનદાર હોય તેવી વ્યક્તિને બોલાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે.જેનો ફાયદો ભવિષ્યમાં તેમને પણ મળી શકે. પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તેવા વૈજ્ઞાાનિકો કે મહાનુભાવોને બોલાવવાનું તો એમ પણ છેલ્લા કેટલાક વર્ષોથી બંધ થઈ ગયું છે.
જોકે પદવીદાન સમારોહની તારીખ નક્કી નહીં થઈ રહી હોવાનો કારણે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે.૧૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પોતાની ડિગ્રીની રાહ જોઈને બેઠા છે.આ પૈકી ઘણાને વિદેશમાં પ્રવેશ માટે તો ઘણાને નોકરી માટે અથવા તો વધુ અભ્યાસ માટે પોતાની ઓરિજિનલ ડિગ્રીની જરુર છે.
વાલીઓ કે વિદ્યાર્થીઓ હેડ ઓફિસ ખાતે ડિગ્રી માટે પૂછપરછ કરવા જાય છે ત્યારે તેમને જવાબ મળે છે કે, ડિગ્રી પદવીદાન સમારોહ પછી જ મળશે.સમારોહ ક્યારે યોજાશે તેવું વાલીઓ અને વિદ્યાર્થીઓ સવાલ કરે છે ત્યારે કર્મચારી કે અધિકારી પાસે તેનો જવાબ નથી હોતો.