તરસાલી હાઇવે નજક હોટેલ સર્વોત્તમમાં સૂપમાં ગરોળી નીકળતા ઉહાપોહ
કોર્પો.એ ચેકિંગ કરી સ્વચ્છતાની નોટિસ આપી બે ફૂડના નમૂના લીધા
વડોદરા, તા.12 વડોદરામાં તરસાલી હાઇવે નજીક હોટલ સર્વોમયમાં સૂપમાં ગરોળી નીકળતા ઉહાપોહ મચી ગયો હતો. એક પરિવાર ગઇ રાતે હોટેલમાં જમવા ગયું હતું.
સૌ પ્રથમ સૂમ ઓર્ડર કર્યા બાદ સૂપ સર્વ કરાયો ત્યારે તેમાં મરેલી ગરોળી આવી હતી. જેથી આ પરિવારે હોટલમાં હોહામચાવીને સ્ટાફનો ઉધડો લીધો હતો. વડોદરાની હોટેલો અને રેસ્ટોરાંમાં ફૂડમાં વંદા અને જીવાત નીકળતા હોવાના બનાવો છાશવારે બની રહ્યા છે. ઉકત ઘટના બાદ કોર્પોરેશનના ફૂડ સેફટી ઓફિસરોની ટીમે આજે હોટેલમાં ચેકિંગ કરીને સ્વચ્છતા અંગેની નોટિસ ફટકારી હતી. જયારે મનચાઉ સૂપ ને લૂઝ પનીરના નમુના તપાસ માટે લઇને લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. સૂપમાંથી મરેલી ગરોળી નીકળી હોવાનો વીડિયો ઉતારીને ગ્રાહકો સોશ્યિલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.