વડોદરાના રામેશરા ગામની નર્મદા કેનાલમાં બે યુવાનો ડૂબ્યા: શોધખોળ જારી
(ડાબેથી મૃતક પ્રહલાદ અને દિલીપ)
વડોદરા,તા.21 ડિસેમ્બર 2023,ગુરૂવાર
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રામેશરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બે યુવાનો ડૂબી ગયાની જાણકારી વડોદરા ફાયર બ્રિગેડને મળતા સ્થળ પર પહોંચી જઈ આજે વહેલી સવારથી બંને યુવાનોની શોધખોળ શરૂ કરી છે.
વાઘોડિયા તાલુકાના રાવલ ગામ પાસે આવેલી સિમેન્ટની ઈંટો બનાવતી ફેક્ટરીમાં ઈંટો પાડવાનું કામ કરતા મધ્યપ્રદેશ રતલામ જિલ્લાના કેસરપુરા ગામના વતની પ્રહલાદ રામચંદ્ર મહીડા પત્ની પૂજાબહેન અને 10 માસની દીકરી સાથે જ તેમ જ દિલીપ ગુડ્ડુભાઈ સંગાડ સહિત તેમના વતનના અન્ય યુવાનો ગામની સીમમાં આવેલી સિમેન્ટમાંથી ઇટો બનાવતી અંજંતા પ્રોડક્ટ ફેક્ટરી ઉપર ઈંટો બનાવવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાન બુધવારે બપોરે પ્રહલાદ મહિડા અને દિલીપ સંગાડ ઈંટો પાડવાનું મશીન બંધ કરીને રામેશરા વડોદરાની નર્મદા કેનાલમાં નાહવા માટે ગયા હતા. તે દરમિયાન બંને ડૂબી જતા તેઓએ બૂમો પાડવાની શરૂઆત કરતા તેમની સાથે મજૂરી કરતા ગોલુ ભુરીયા તથા અન્ય કામદારો સ્થળ પર દોડી ગયા હતા અને તેઓએ બંનેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ ગઈકાલે મોડી સાંજ સુધી કોઈ પત્તો નહીં લાગતા આજે વહેલી સવારે ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
બંને યુવાનો પૈકી પ્રલ્હાદના લગ્ન પૂજાબહેન સાથે ત્રણ વર્ષ પહેલાં જ થયા હતા અને તેમની 10 માસની દીકરી પણ છે.