ખંભાતમાં ગણેશ વિસર્જનમાં કરંટ લાગતા બે યુવાનોનાં મોત
ગણેશજીની વિરાટ પ્રતિમાં વીજ વાયરને અડી જતા દુર્ઘટના સર્જાઇ
ચાર યુવકોને કરંટ લાગ્યો, વિસર્જન યાત્રામાં દોડધામ મચી ગઇ અકાળે મોતથી સ્વજનોના હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઇ
આણંદ: આણંદ શહેર સહિત જિલ્લાભરમાં આજે વિધ્નહર્તાની વાજતે-ગાજતે વિસર્જનયાત્રા કાઢવામાં આવી હતી. જો કે જિલ્લાના નવાબી નગર તરીકે જાણીતા ખંભાત ખાતે ગણપતિની વિસર્જનયાત્રા માતમમાં ફેરવાઈ ગઈ હતી. વિસર્જનયાત્રા દરમ્યાન ગણપતિની વિરાટકાય પ્રતિમા નજીક વીજ લાઈનને અડી જતા ચાર વ્યક્તિઓને કરંટ લાગતા બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા.
મળતી માહિતી મુજબ નવાબી નગર તરીકે જાણીતા ખંભાત શહેરમાં આજે બપોરના સુમારે લાડવાડા વિસ્તારમાંથી ગણેશજીની ભવ્ય વિસર્જનયાત્રા નીકળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ યુવક મંડળો દ્વારા સ્થાપિત કરાયેલ ગણેશજીની પ્રતિમાઓની વિસર્જન યાત્રામાં લાડવાડા વિસ્તારમાં સ્થાપિત કરાયેલ વિરાટકાય ગણેશજીની પ્રતિમા સાથે સ્થાનિક યુવક મંડળ જોડાયું હતું.
આ વિસર્જનયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. દરમ્યાન શહેરના નવરત્ન સિનેમા નજીકથી આ વિસર્જનયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે લાડવાડા વિસ્તારની ગણેશજીની વિરાટકાય પ્રતિમા ત્યાંથી પસાર થતી વખતે ઉપર આવેલ વીજ લાઈનને અડી જતા પ્રતિમા સંભાળી રહેલ ચાર વ્યક્તિઓને વીજ કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા. જેને લઈ વિસર્જનયાત્રામાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. દરમ્યાન સ્થાનિકોએ તુરંત જ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતાં. જ્યાં આકાશ ગોપાલભાઈ ઠાકોર અને સંદિપ કાંતિલાલ ઠાકોરને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે નિરવ રાજેશભાઈ ઠાકોર અને દર્પણ ગોપાલભાઈ ઠાકોર ગંભીર રીતે દાઝી ગયા હોઈ તેઓ હાલ સારવાર હેઠળ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. વિસર્જનયાત્રા દરમ્યાન વીજ કરંટ લાગવાના કારણે બે યુવકોના મોત નીપજ્યા હોવાના સમાચાર ખંભાત શહેરમાં વાયુવેગે ફેલાતા સમગ્ર શહેરમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.