એમ એસ યુનિ.ની બોયઝ હોસ્ટેલમાં ગેરકાયદેરહી દાદાગીરી કરતા બે યુવકોની ધરપકડ
વડોદરાઃ એમ એસ યુનિ.માં ગેરકાયદે રહી ધાકધમકી આપતા બે ભાઇઓને પોલીસે ઝડપી પાડયા છે.બંને ભાઇ છેલ્લા છ મહિનાથી રહેતા હોવાની વિગતો જાણવા મળી છે.
યુનિ.ની બોયઝ હોસ્ટેલોમાં વિજિલન્સ ઓફિસર દ્વારા હોસ્ટેલોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન એમ.એમ.હોલના એક રૃમમાં આદર્શ ભરતભાઇ ડોલસીયા અને તેનો ભાઇ યતિશ ડોલસીયા(બંને રહે. સરસીયા ગામ,તા.ધારી,અમરેલી) રહેતા હોવાની અને અન્ય વિદ્યાર્થી સાથે દાદાગીરી કરતા હોવાની વિગતો મળી હતી.
પોલીસને તપાસ દરમિયાન બંને ભાઇઓ અગાઉ અભ્યાસ કરતા હોવાથી રૃમ ખાલી નહિં કરીને વિદેશ જવા માટે એક્ઝામની તૈયારી કરતા હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી હતી.
વિજિલન્સ ઓફિસરની ફરિયાદ બાદ સયાજીગંજના પીઆઇ આર જી જાડેજાએ પોલીસને મોકલી બંને ભાઇઓને શોધી કાઢ્યા હતા.તેમની સામે ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે
પંદર દિવસ પહેલાં વોર્ડનને ફરિયાદ કર્યા બાદ વિદ્યાર્થીને ધમકીઓ મળવા માંડી
એમ એમ હોલના એક રૃમમાં બે ભાઇઓ ગેરકાયદે રહેતા હોવાથી એક વિદ્યાર્થીએ વોર્ડન વિજયભાઇ સોલંકીને ફરિયાદ કરી હતી.
પરંતુ ફરિયાદ કર્યા બાદ ભરત અને યતિશ નામના બંને ભાઇઓ વિફર્યા હતા. તેમણે વિદ્યાર્થીને ધમકાવતાં કહ્યું હતું કે,તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડ,મારૃં કંઇ બગડવાનું નથી.
તેમણે એમ પણ કહ્યું હતું કે,જો વોર્ડન કાઢી મૂકશે તો તારી લાશ પણ હાથમાં નહિં આવે.વિદ્યાર્થીને ફોન પર ધમકીઓ મળતી હતી.