વડોદરામાં જ્વેલરી શોપમાંથી સોનાની વીંટી ચોરતી બે મહિલા પકડાઈ

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
વડોદરામાં જ્વેલરી શોપમાંથી સોનાની વીંટી ચોરતી બે મહિલા પકડાઈ 1 - image

વડોદરા,તા.8 જાન્યુઆરી 2024,સોમવાર

માંડવીની જ્વેલરી શોપમાં ગ્રાહકના સ્વાંગમાં બુરખો પહેરીને આવેલી બે મહિલાઓ ચોરી કરતા પકડાઈ જતા વાડી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

 હરણી રોડની જાગૃતિ સોસાયટીમાં રહેતો સહર્ષ પાટડીયા માંડવી ખાતે શ્રી લાલજીભાઈ જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાન ચલાવે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સાંજે 4:00 વાગે હું મારા પિતા સાથે દુકાન પર હતો તે દરમિયાન બે મહિલાઓ બુરખો પહેરીને ખરીદી કરવા માટે અમારી દુકાનમાં આવી હતી અને વીટી બતાવવા માટે કહ્યું હતું. મારા દુકાન પર કામ કરતાં મિતલબેન તેઓના સોનાની વીંટી બતાવી હતી તેઓએ થોડીવાર વીટી જોવા માંગતા આપી હતી.

 આ મહિલાની સાથે આવેલી અન્ય મહિલા દુકાનમાં આગળ પાછળ જોતી હોવાથી મને તેના પર શંકા ગઈ હતી જેથી હું તેની પાછળ ઉભો રહી ગયો હતો અને તેઓ શું કરે છે તેના પર નજર રાખતો હતો. તે દરમિયાન અમારી દુકાનમાં કામ કરતા મિતલબેનએ મને કહ્યું કે હું આ વીટીનું બોક્સ બતાવતી હતી તેમાંથી એક વીટી ઓછી થઈ ગઈ છે. જેથી ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓને તેમનો બુરખો હટાવી મોઢું બતાવવાનું કહેતા તેઓએ મોઢું બતાવ્યું ન હતું અને ખુરશી પરથી અચાનક ઊભા થતા તેમના ખોળામાંથી એક સોનાની વીંટી પડી ગઈ હતી. આ બંને મહિલાઓ ચોરી કરવાના ઇરાદે આવી હતી અને ચોરી કરતા પકડાઈ ગઈ હતી અને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસ આવી ગઈ હતી. પકડાયેલી બંને મહિલાઓનું નામ સાલેહાબીબી કમાલુદ્દીન શેખ તથા હીના કમાંલુદીન શેખ રહેવાસી આકુતપુરા હોવાનું જાણવા મળ્યું હતું.


Google NewsGoogle News