યુનિ.કેમ્પસમાં તસ્કરો બાદ વાહન ચોરો પેધા પડયા, ઉપરા છાપરી બે ટુવ્હીલરની ચોરી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં તસ્કરોનો તો મોકળું મેદાન મળ્યું જ છે પણ હવે વાહન ચોરો પણ સુરક્ષાની પોલમપોલનો ગેરલાભ ઉઠાવવા માટે મેદાનમાં આવ્યા છે.આજે એક સાથે બે વિદ્યાર્થીઓના ટુ વ્હીલર કેમ્પસમાંથી ચોરાઈ ગયા હતા.
મળતી વિગતો પ્રમાણે હાલમાં કેમ્પસમાં વેકેશન ચાલી રહ્યું છે પણ કોમર્સમાં માર્કશીટ વિતરણ ચાલી રહ્યું હોવાથી ઘણા વિદ્યાર્થીઓની અવર જવર જોવા મળી રહી છે.આજે કોમર્સ ફેકલ્ટીના જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ ખાતે એક વિદ્યાર્થી માર્કશીટ લેવા માટે આવ્યો હતો અને તેણે પોતાનુ ટુ વ્હીલર બહાર પાર્ક કર્યું હતું.
થોડા સમય માટે તે પોતાના મિત્રો સાથે થોડે દૂર ઉભો રહીને વાતો કરી રહ્યો હતો અને તે જ અરસામાં તેનુ ટુ વ્હીલર ગાયબ થઈ ગયું હતું.આ વિદ્યાર્થીએ કહ્યું હતું કે, આ જ રીતે સાયન્સ ફેકલ્ટીના વળાંક પાસે પાર્ક થયેલું અન્ય એક ટુ વ્હીલર પણ ચોરાઈ ગયું છે.આમ માત્ર થોડા જ સમયના અંતરે ઉપરા છાપરી બે વ્હીકલ ચોરાઈ ગયા હતા.જોકે યુનિવર્સિટી કેમ્પસની સિક્યુરિટી રાબેતા મુજબ ઉંઘતી ઝડપાઈ હતી.
વિદ્યાર્થી આલમમાં એવુ પણ ચર્ચાઈ રહ્યું હતું કે, યુનિટ બિલ્ડિંગ ખાતે જે જગ્યાએથી ટુ વ્હીલર ચોરાયું હતું ત્યાંનો સીસીટીવી કેમેરા કામ જ કરતો નહોતો અને સાયન્સ ફેકલ્ટી પાસેથી વાહન ચોરોએ જે ટુ વ્હીલર ચોર્યું ત્યાં કોઈ કેમેરા જ નહોતો.
યુનિવર્સિટી કેમ્પસ તસ્કરો અને વાહન ચોરો માટે રેઢુ પડયું હોવા છતા સત્તાધીશોને કોઈ ફરક પડી રહ્યો નથી.સિક્યુરિટીનું કામ હવે માત્ર વાઈસ ચાન્સેલરની આગળ પાછળ ફરવાનું જ રહ્યું છે.વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવની જ સુરક્ષાની કેમ્પસમાં ગેરંટી છે.બાકી અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા ભગવાન ભરોસે છે.