કારમાં લઈ જવાતા દેશી દારૃના જથ્થા સાથે બે પકડાયા
ચિલોડા નરોડા હાઇવે ઉપર લીંબડીયા કેનાલ પાસે
ડભોડા પોલીસે ૭૫૦ લીટર દેશી દારૃ મળી ૧.૨૩ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી તપાસ આદરી
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે ડભોડા પોલીસ દ્વારા લીંબડીયા નર્મદા કેનાલ પાસેથી એક કારને ઝડપી લેવામાં આવી હતી અને જેમાંથી દેશી દારૃનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કારમાં સવાર બે શખ્સોને પકડી પોલીસે ૧.૨૩ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો.
રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી વિદેશી દારૃ
ઘુસાડવાની સાથે સ્થાનિક બુટલેગરો દ્વારા દેશી દારૃની હેરાફેરી પણ કરવામાં આવતી હોય
છે. આ સ્થિતિમાં ડભોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, હિંમતનગર તરફથી
નરોડા જઈ રહેલી એક કારમાં દેશી દારૃનો મોટો જથ્થો ભરેલો છે. જે બાતમીના આધારે
પોલીસ ટીમ લીંબડીયા નર્મદા કેનાલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારબાદ બાતમીવાળી
કાર આવતા તેને ઊભી રાખીને તપાસ કરવામાં આવી હતી. જેમાંથી પ્લાસ્ટિકના કંતાનમાં
દેશી દારૃનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે તપાસ કરતા ૭૫૦ લીટર જેટલો આ
દારૃનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને તેમાં સવાર શખ્સોની પુછપરછ કરવામાં આવતા
તે દેવેન્દ્રસિંહ ઉર્ફે દિપક રાઠોડ રહે, ઠક્કરનગર તેમજ ઉગમસિંહ મોહનસિંહ સિસોદિયા રહે, બીછીવાડા
રાજસ્થાન હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે ૧. ૨૩ લાખ રૃપિયાનો મુદ્દામાલ
કબજે કરીને આ બંને બુટલેગરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દારૃનો
જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે પણ મથામણ શરૃ
કરવામાં આવી હતી.