પોરમાં ચોરી કરવા ઘરમાં પ્રવેશે તે પહેલાં જ બે ચોરોને ઝડપી પાડયા
સંખ્યાબંધ ચોરીઓમાં સંડોવાયેલા સિકલીગર ચોરો અન્ય ગુનાઓમાં પણ સંડોવાયા હોવાની શંકા
વડોદરા, તા.3 પોર ગામમાં મોડીરાત્રે એક ઘરના દરવાજાનો નકૂચો તોડી ચોરો ઘરમાં પ્રવેશે તે પહેલાં જ પોલીસ પહોંચી ગઇ હતી અને દોડીને બે ચોરોને ઝડપી પાડયા હતાં. વડોદરામાં રહેતાં બે સિકલીગર ચોરો અનેક ચોરીઓમાં સંડોવાયેલા હોવાનું ખૂલ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે પોર દરવાજા ફળિયામાં એક મકાન પાસે ચોરી કરવા દરવાજાનું લોક તેમજ નકૂચો બે ડિસમિસથી તોડી બે ચોરો ચોરી કરવા અંદર પ્રવેશતાં હતા ત્યારે જ નાઇટ રાઇન્ડમાં ફરતી વરણામા પોલીસ તેમજ જીઆરડીને જોઇને બંને ચોરો ભાગ્યા હતાં જો કે બંનેનો પીછો કરીને ઝડપી પાડવામાં આવ્યા હતાં. તેમની પાસેથી એક બાઇક કબજે કરવામાં આવી હતી આ બાઇક સોમાતળાવ વિસ્તારમાં હનુમાનટેકરી ખાતેથી તા.૨૯ના રોજ ચોરી કરી હોવાનું જણાયું હતું.
પોલીસે ઝડપાયેલા બંને ચોરો લાખનસિંગ શેરસિંગ સિકલીગર (રહે.જોગણીમાતાના મંદિર પાછળ, હનુમાનટેકરી, સોમાતળાવ) અને ચત્તરસિંગ ઉત્તમસિંગ સિકલીગર (રહે.રાઠોડિયાફળિયું, કપુરાઇગામ) પાસેથી ચોરીનું બાઇક તેમજ ચોરી કરવા માટેના સાધનો કબજે કર્યા હતાં. પોલીસ તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે બંને સિકલીગર ચોરોની ત્રણ અન્ય ગુનામાં પણ સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે લાખનસિંગ સિકલીગરની અમદાવાદ, પંચમહાલ અને વડોદરાના ૧૦ ગુનાઓમાં સંડોવણી છે તેમજ ચત્તરસિંગની સુરતમાં બે અને વડોદરાના બે ચોરીના ગુનામાં ધરપકડ થઇ છે. પોલીસે બંને ચોરોની વધુ પૂછપરછ હાથ ધરી છે.