પાદરા તાલુકાના ગામોમાં ચોરીઓ કરતી ગેંગના બે સભ્યો ઝડપાયા
ચોરીના સોનાના દાગીના, રોકડ અને બાઇક મળી સાડા પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
પાદરા,તા.૨૫ પાદરા તથા વડુ પોલીસ સ્ટેશનની હદના ગામોમાં થયેલી ચાર ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે ચોરોને એલસીબી પોલીસે ઝડપી ઘરફોડ ચોરીના ૪ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
બે ઈસમો ચોરીનું શંકાસ્પદ બાઈક લઈને વેચવા માટે આમોદથી કરજણ તરફ આવી રહ્યા હોવાની બાતમીના આધારે મીયાગામ કરજણ જવાના રોડ પર નર્મદા કેનાલ પાસે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાઈક પર બે શખ્સ આવતાં પોલીસે તેમને રોકી બાઈકના કાગળો માગતાં તેમણે ગલ્લા તલ્લા કરતાં પોલીસે તપાસ કરતાં બાઈક પાદરા તાલુકાના ખંડેરાવપુરા ગામના હિતેષ રણજીત જાદવનું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે બંને શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતાં બંનેએ પોતાના નામ ખાલિદ વલીભાઈ પટેલ તેમજ વિજય વિનોદ વસાવા (રહે.નવીનગરી, આમોદ) જણાવ્યું હતું. બંનેની વધુ પૂછપરછ કરતાં ૧૫ દિવસ પહેલા ખંડેરાવપુરા ગામે ખેતરમાં બે ઘરોમાં તેમજ ઘંટીવાળા મકાનમાંથી સોના -ચાંદીના દાગીના, રોકડા તેમજ બાઇકની ચોરી કરીને ઓળખીતા સોની પાસે ઓગાળી ગીની બનાવી હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત પાદરા નજીક આવેલ કેનાલ પાસે ઘરમાંથી પણ ચોરી કરી હતી. પાંચ મહિના અગાઉ પાદરા જંબુસર હાઇવે પર કુરાલ સાંપલા ગામના બે મકાનમાં ચોરી કરી હોવાની પણ બંનેએ કબૂલાત કરી હતી.
ઝડપાયેલા બંને ચોરો સામે વરણામા અને અંકલેશ્વરમાં પણ ગુના નોંધાયા હતાં. પોલીસે બંને ચોરોની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીના રૃા.પ લાખના સોનાના દાગીના, રોકડા રૃા.૧૦૩૦૦ અને બાઈક મળી કુલ રૃા.૫૫૦૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરી બંનેની વધુ તપાસ હાથ ધરી છે.