ચોરીઓના 50 ગુનાઓમાં સંડોવાયેલા અઠંગ ગુનેગાર પાસે ચોરીની બે કાર મળી
વડોદરાઃ રાજ્યના જુદાજુદા શહેરોમાં ઘરફોડ ચોરીઓ એન વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો ગુનેગાર ફરી એક વાર પોલીસના હાથે ઝડપાઇ ગયો છે.પોલીસે તેની પાસેથી ચોરી કરેલી બે કારનો ભેદ ઉકેલ્યો છે.
વડોદરાની કપૂરાઇ ચોકડી પાસે પોલીસની ટીમ વોચમાં હતી તે દરમિયાન કાર લઇને પસાર થતા સિકંદરને પોલીસે અટકાવી કારના કાગળો માંગતા તેની પાસે મળ્યા નહતા.જેથી પોલીસે તેને અટકમાં લઇ તપાસ કરતાં કાર સવા બે મહિના પહેલાં આણંદ ખાતેથી ચોરાઇ હોવાની વિગતો ખૂલી હતી.
પોલીસે સિકંદરની વધુ પૂછપરછ કરતાં અઢી મહિના પહેલાં અમદાવાદથી એક બોલેરો કાર પણ ઉઠાવી હોવાની વિગતો ખૂલી હતી.આ કાર લઇને તે નવસારી ખાતે ચોરી કરવા નીકળ્યો હતો.પરંતુ રસ્તામાં પોલીસનું વાહનચેકિંગ ચાલતું હોવાથી કાર બિનવારસી છોડી દીધી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે,ફરીદહુસેન ઉર્ફે સિકંદર ઇબ્રાહીમ સૈયદ(કિશાન નગર, ડભોઇ રોડ)ની અગાઉ ઘરફોડ અને વાહન ચોરી જેવા ૫૦ થી વધુ ગુનાઓમાં સંડોવણી ખૂલી હતી.પોલીસે બંને કાર ચોરીનો ભેદ ઉકેલી આણંદ અને અમદાવાદ પોલીસને જાણ કરી છે.