શહેરા તાલુકાના મોર ઉંડારા ગામે રૃા.૧.૦૧ કરોડના ભ્રષ્ટાચારના કેસમાં બે સરપંચોની જામીન અરજી નામંજૂર
ગામમાં વિકાસના કામો કર્યા ન હતા અને બારોબાર બિલો બનાવી સરકારી તિજોરીને નુકસાન કર્યુ હતું
શહેરા તા.૩૧ ગ્રામ પંચાયતના વિકાસ માટેની વિવિધ યોજનાઓ હેઠળના કામોમાં ગેરરીતિ કરી ભ્રષ્ટાચાર કરનાર શહેરા તાલુકાના મોર ઉંડારા ગામના સરપંચોની જામીન અરજી પંચમહાલ એસીબીએ નામંજૂર કરી હતી.
બનાવની હકીકત એવી છે કે, આરોપીઓ (૧) સોમાભાઈ બાપુજી પગી (૨) મહેશભાઈ સોમાભાઈ પગી અને (૩) લીલાબેન સોમાભાઈ પગી (તમામ રહે.મોર ઉંડારા તા.શહેરા, જિ.પંચમહાલ) મોર ઉંડારા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હોય અને તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન એટલે કે, સને-૨૦૧૩-૧૪ થી સને-૨૦૨૧- ૨૨ દરમિયાન મોર ઉંડારા ગામે તાલુકા પંચાયત કચેરી શહેરા હેઠળની મોર ઉંડારા ગ્રામ પચાયતમાં સરકારશ્રીના વિવિધ યોજનાઓ હેઠળના વિકાસના કામો તથા ૧૪મું નાણા પંચ અને ૧૫ મું નાણાપંચ અન્વયે મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામો મળી કુલ-૫૯ સ્થળ ઉપર કામ ન થયેલ હોવા છતા રૃ.૧,૦૧,૮૭,૦૦૦ની રકમની ઉચાપત કરી ભ્રષ્ટાચાર કર્યો હતો.
આ અંગેની શહેરા પોલીસ સ્ટેશનમાં તમામ સરપંચો વિરૃધ્ધ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે તપાસ કરી આરોપીઓની અટક કરી હતી. આરોપી (૧) લીલાબેન સોમાભાઈ બાપુજીભાઈ પગી અને (૨) સોમાભાઈ બાપુજીભાઈ પગી (બંને રહે.મોર ઉંડારા તા.શહેરા) ધ્વારા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. તપાસ કરનાર અમલદારે કોર્ટમાં સોંદગનામુ રજુ કરી જણાવેલ કે કુલ ૪૦ કામો કર્યા ના હોવા છતાં મોટી રકમ સરકારી તિજોરીમાંથી મેળવી ઉચાપત કરી હતી. આમ સોદંગનામું તેમજ સરકારી વકીલની દલીલને ધ્યાનમાં રાખી કોર્ટે બંનેના જામીન નામંજૂર કર્યા હતાં.