જૂનાગઢની કોલેજના BSC-BBAના બે રૃમ પાર્ટનર અઠંગ અછોડાતોડ બન્યાઃવડોદરામાં પકડાઇ ગયા
વડોદરાઃ જૂનાગઢની કોલેજમાં બીએસસી અને બીબીએનો અભ્યાસ કરતા બે રૃમ પાર્ટનર અઠંગ અછોડાતોડ બની જતાં ફરી એક વાર પોલીસના હાથે પકડાઇ ગયા છે.વડોદરા પોલીસની તપાસ દરમિયાન અનેક સ્થળોએ અછોડા લૂંટનાર બંને મિત્રોએ વડોદરામાં પણ ત્રણ અછોડા લૂંટયાની વિગતો ખૂલી છે.
આજવારોડ સરદાર એસ્ટેટ વિસ્તારની સોસાયટીમાં બાઇક પર બે યુવકો શકમંદ હાલતમાં ફરી રહ્યા હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજા અને પીઆઇ હેતલ તુવરની ટીમો જુદીજુદી સોસાયટીઓમાં ફરી વળી હતી.જે દરમિયાન એક સોસાયટીમાંથી પોલીસને જોઇ ભાગવા જતા બે બાઇક સવારનો પોલીસે પીછો કરી બંનેને ઝડપી પાડયા હતા.તેમની મોટર સાઇકલ ચોરીની હોવાથી વધુ તપાસ કરાઇ હતી.
પોલીસની તપાસમાં વૈભવ બાબુભાઇ જાદવ(ધ્રાબાવાડ,મારિયાહટિના,જૂનાગઢ) અને ભાવિન મનસુખભાઇ ચાંડયા(હસના વદર,વેરાવળ) જૂનાગઢની કોલેજમાં બીએસસી અને બીબીએનો અભ્યાસ કરતા હતા ત્યારે બંને રૃમપાર્ટનરોએ વર્ષ-૨૦૧૪માં અભ્યાસ છોડી રાજકોટમાં મોટરસાઇકલ ચોરી કરી હતી અને અછોડા તોડવાનું શરૃ કર્યું હતું.
તેમણે જૂનાગઢ,રાજકોટ,કેશોદ જેવા સ્થળોએ ૯ ગુના આચર્યા હતા.જ્યારે વૈભવે સુરત ખાતે જઇ બાઇક ચોરીને અછોડા તોડયા હોવાની વિગતો ખૂલી હતી.બંને મિત્રો અઢી મહિના પહેલાં ટ્રેનમાં સુરતથી વડોદરા આવ્યા હતા અને સમા વિસ્તારમાં ત્રણ તોલાનો અછોડો તોડયો હતો.ત્યારબાદ ૧૨ દિવસ પછી ફરી વડોદરા આવ્યા હતા અને બાઇક ચોરી સમા માં બે અછોડા લૂંટયા હતા.જેથી પોલીસે ત્રણ અછોડા,બે બાઇક અને બે મોબાઇલ કબજે કર્યા છે.
વડોદરામાં અઢી મહિનામાં બે વાર અછોડા તોડી ગોવામાં મોજશોખ કર્યા
વડોદરામાં અછોડા લૂંટનાર બંને મિત્રો રૃપિયા હાથમાં આવ્યા બાદ ગોવાની ટ્રિપ પર ઉપડી જતા હતા.
પોલીસની પૂછપરછ દરમિયાન વૈભવ અને ભાવિન નામના કોલેજના બંને મિત્રોએ કબૂલ્યું હતું કે અઢી મહિના પહેલાં તેમણે વડોદરામાં પહેલીવાર સમા વિસ્તારમાંથી ત્રણ તોલાનો અછોડો તોડયો હતો.ત્યારબાદ તેઓ સોનુ વેચીને ગોવા ગયા હતા અને રૃપિયા વાપર્યા હતા.
૧૨ દિવસ બાદ તેઓ ફરી ટ્રેનમાં વડોદરા આવ્યા હતા અને ફરીથી બાઇક ચોરી સમા વિસ્તારમાંથી બે અછોડા લૂંટયા હતા.આ અછોડાના રૃપિયા પણ ગોવામાં મોજશોખમાં પુરા કર્યા હતા.
વૈભવ સામે ૧૫ અને ભાવિન સામે 10 ગુના
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પકડેલા બે અછોડા તોડ પૈકી વૈભવ જાદવ સામે કુલ ૧૫ ગુના નોંધાયા હોવાની અને એક વાર પાસા હેઠળ જેલ પણ જઇ આવ્યો હોવાની તેમજ તેના મિત્ર ભાવિન ચાંડયા સામે ૧૦ ગુના નોંધાયા હોવાની પોલીસને માહિતી મળી છે.