Get The App

બે રેવન્યુ તલાટી અને એક કારકૂનને સરકારી સેવામાંથી કલેકટરે નોકરીમાંથી કાઢી મૂક્યા

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
બે રેવન્યુ તલાટી અને એક કારકૂનને સરકારી સેવામાંથી કલેકટરે નોકરીમાંથી કાઢી મૂક્યા 1 - image


વડોદરા જિલ્લા મહેસુલી તંત્ર ફરજ ઉપર સતત ગેરહાજર રહી ગેરશિસ્ત આચરનારા કર્મચારીઓ સામે સપાટો બોલાવવામાં આવ્યો છે. આવા ત્રણ કર્મચારીઓને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. આ ત્રણને ફરજ ઉપરથી બરતરફ કરવામાં આવ્યા છે. 

રાજ્ય સરકાર દ્વારા અપ્રમાણિક અધિકારીઓ સામે ફરજિયાત નિવૃત્તિનો કોરડો વિંઝવામાં આવી રહ્યો છે. છેલ્લા એક જ અરસામાં અનેક અધિકારીઓને તેમની સામે ફરિયાદોને ધ્યાને લઇ બરતરફ અથવા ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. હવે આવી કાર્યવાહી વડોદરામાં કલેક્ટર બિજલ શાહ અને નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. શાહ દ્વારા હાથ ધરવામાં આવી છે. સરકારી ફરજ ઉપર સતત ગેરહાજર રહેનારા ત્રણ કર્મચારીને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. 

જેમાં કરજણ મામલતદાર કચેરીના કારકૂન હિરેન કોડિયાતર અને ડેસર મામલતદાર કચેરીના મહેસુલી તલાટી વિજય મહેરિયા લાંબા સમયથી ફરજ ઉપર ગેરહાજર રહેતા હતા. આ બાબતને ધ્યાને રાખીને બન્ને સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ રિપોર્ટના આધારે બન્ને કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. 

એ જ પ્રકારે ભાવિકા પરમાર નામના મહેસુલી તલાટી છેલ્લા બે વર્ષથી સતત ગેરહાજર રહ્યા હતા. તેમને નોટિસો આપવા છતાં તેનો જવાબ કરવાની તસ્દી સુદ્ધા લીધી નહોતી. છેલ્લે આપવામાં આવેલી નોટિસનો પણ જવાબ ના આપતા અંતે તેમને પણ ફરજમુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફરજમાં બેદરકારી દાખવનારા કેટલાક કર્મચારીઓ સામે પણ પગલાં તોળાઇ રહ્યા છે.


Google NewsGoogle News