કારમાં 1.62 લાખના દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા
મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ પરથી
રાજસ્થાનથી સાવલી ગામે દારૂ લઈ જતા હતા, ત્રણ સામે ગુનો નોંધાયો
અમદાવાદ: સોનીપુરા ગામ પાસે મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પરથી કારમાં રૂ.૧.૬૨ લાખના વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને સેવાલિયા પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે રૂ.૬.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો.
સેવાલિયા પોલીસ અમદાવાદ-ઈન્દોર હાઈવે મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પર હાજર હતા ત્યારે બાલાસિનોર તરફથી આવતી એક કારમાં બે શખ્સો ઈંગ્લીશ દારૂ ભરીને અમદાવાદ-ઈન્દોર હાઈવે પર થઈને ઉદલપુર-સાવલી તરફ જવાના છે તેવી બાતમી મળી હતી.
જેના આધારે પોલીસે બાતમી વાળી કારને ઉભી રખાવી પુછપરછ કરતા કારનો ચાલક સુનિલકુમાર કનકસિંહ પરમાર (રહે. છીકારિયા, તા.ગળતેશ્વર) અને બાજુમાં બેઠેલો શખ્સ કવરાજ મુલારામ સઉ (રહે. સદર, જિ.બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.
કારમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી બંનેની પુછપરછ કરતા કાર કવરાજના શેઠ ભરતસિંહ રાઠોડ (રહે. ઉદેપુર)ની હોવાની તથા કારની ખોટી નંબર પ્લેટ લગાવીને દારૂનો જથ્થો સાવલી પહોંચાડવાનો હોવાની કબુલાત કરી હતી.
પોલીસે અલગ અલગ બ્રાન્ડની અલગ અલગ કુલ રૂ.૧,૬૨,૩૪૮ની કિંમતની વિદેશી દારૂની બોટલો તથા બે મોબાઈલ અને કાર સહિત કુલ રૂ.૬,૭૨,૭૩૮ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી ભરતસિંહને શોધવા તપાસ હાથ ધરી છે.