બિલોદરા ફાટક પાસેથી કારમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સ ઝડપાયા

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
બિલોદરા ફાટક પાસેથી કારમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સ ઝડપાયા 1 - image


પાંચ શખ્સો વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો

એસએમસીની ટીમે ૯૩ હજારના દારૂ સહિત રૂપિયા ૨.૦૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

નડિયાદ: નડિયાદ મહુધા રોડ બીલોદરા ફાટક નજીકથી ગાડીમાં વિદેશી દારૂ ભરીને જતા કાર ચાલક સહિત બે ઇસમોને એસએમસીની ટીમે ઝડપી પાડયા હતા. પોલીસે રૂ.દોઢ લાખની ગાડી તેમજ વિદેશી દારૂની બોટલ નંગ ૨૭૬ કિંમત રૂ.૯૩,૩૦૦ મળી કુલ રૂ.૨,૦૩,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસે પાંચ ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસ નડિયાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મહુધા તરફથી ગાડી વિદેશી દારૂ ભરીને નડિયાદ તરફ આવતી હતી. ત્યારે પોલીસે બીલોદરા ફાટક રોડ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે કાર આવતા ચાલકની પૂછપરછ કરતા અરબાઝ ખાન ફિરોઝ ખાન પઠાણ રહે. નાની ભાગોળ, માતર અને તેની બાજુમાં બેઠેલ ચિરાગ મફાજી સરગરા રહે. બજરંગ પાર્ક સોસાયટી, ડુમરાલવાળા હોવાનું જણાવ્યું હતું. આ ગાડીમાંથી વિદેશી દારૂ બોટલ નંગ ૨૭૬ કિંમત રૂ.૯૩,૩૦૦ મળી આવ્યો હતો. પોલીસે બંને આરોપીની અંગજડતીમાંથી રોકડ રૂ.૨૦૦, મોબાઇલ ફોન નં.૨ કિંમત રૂ.૧૦,૦૦૦ કબજે કર્યા હતા. આમ પોલીસે વિદેશી દારૂ તેમજ ગાડી મળી કુલ રૂ.૨,૦૩,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

આ બનાવ અંગે એસ.એમ.સી.ની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે અરબાઝ ખાન ફિરોઝ ખાન પઠાણ, ઈકબાલ ઉર્ફે મુન્નો બચુખાન પઠાણ રહે. શ્રીરંગ સોસાયટી, પીજ રોડ, નડિયાદ, દારૂ લેવા આવનાર દીપક ઈશ્વરભાઈ સરગરા રહે. કબ્રસ્તાન ચોકડી શાંતિ ફળિયું નડિયાદ તેમજ મનોજ રાજપુત ભરવાડ વાસ રહે. દભાણ કાર માલિક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News