બે યુવાનો ઐતિહાસિક ગુંબજ સુધી પહોંચી ગયા અને સિક્યુરિટીને ખબર પણ ના પડી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના ગુંબજ પર ચઢી ગયેલા બે યુવાનોનો વિડિયો વાયરલ થતા યુનિવર્સિટીનુ તંત્ર દોડતું થઈ ગયું હતું.આ યુવાનો રીલ બનાવવાને કે સેલ્ફી લેવાના ઈરાદે ગુંબજ પર ચઢયા હોવાનુ મનાઈ રહ્યું છે.
અત્યારે આર્ટસ ફેકલ્ટીની ઐતહાસિક ઈમારતની સાથે સાથે ગુંબજના રિસ્ટોરેશનનું પણ કામ ચાલી રહ્યું છે.ફેકલ્ટીની છત પર જવા માટે વિદ્યાર્થીઓને મંજૂરી એમ પણ નથી હોતી.આ સંજોગોમાં બે યુવાનો છત પર જોવા મળ્યા હતા.કોઈ વિદ્યાર્થીએ તેમનો વિડિયો ઉતારીને વાયરલ કર્યો હતો.
આ ઘટનાએ યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા પર ફરી સવાલો ઉભા કર્યા છે.કારણકે આ બે યુવાનો ગુંબજ સુધી પહોંચ્યા પછી પણ સિક્યુરિટીને તેની જાણ નહોતી થઈ. જો આ બે યુવાનોમાંથી કોઈ પડયુ હોત તો સત્તાધીશોને જવાબ આપવાનો ભારે પડી ગયો હોત.
દરમિયાન આર્ટસ ફેકલ્ટીના ડીન પ્રો.કલ્પના ગવલીએ કહ્યું હતું કે, આ વિડિયો આજનો નથી.આ બે યુવાનોમાંથી કોઈ પણ ફેકલ્ટીનો કર્મચારી હોય તેવું નથી.ઉપરાંત રિસ્ટોરેશનની કામગીરી સાથે સંકળાયેલા હોય તેવુ પણ અમારા ધ્યાનમાં આવ્યું નથી.કદાચ તેઓ અન્ય ફેકલ્ટીના વિદ્યાર્થી હોય અને ફોટો પડાવવા માટે ઉપર ચઢ્યા હોય તેવુ બની શકે છે.જોકે સુરક્ષાની દ્રષ્ટિએ આ ચિંતાજનક ઘટના છે.આર્ટસ ફેકલ્ટીમાં યુનિવર્સિટીએ વધારે સુરક્ષા પૂરી પાડવાની જરુર છે.