વડોદરા: કરજણ તાલુકામાં અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિના મોત
Image Source: Freepik
વડોદરા, તા. 05 ડિસેમ્બર 2023 મંગળવાર
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામે રસ્તો ઓળંગતા પરપ્રાંતિય યુવકને અજાણ્યા વાહને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. યુવકને ભત્રીજાના લગ્ન માટે કંપનીમાંથી રજા મળતા ઘરે જતો હતો. ત્યારે કરૂણ ઘટના ઘટી હતી.
મૂળ ઉત્તર પ્રદેશના દુરહિતની અને હાલ કરજણ તાલુકાના કંડારી ગામની ડાભી ખડકીમાં રહેતા 38 વર્ષીય કનૈયાલાલ જેસવારે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત સવારે 8:30 વાગ્યે કંડારી ગામના બસ સ્ટેન્ડ નજીકથી રસ્તો ઓળંગતા તેમના સાળા જય નારાયણ જૈસવાર ઉંમર 35ને અજાણ્યા વાહને ટક્કર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. તેને કારણે તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક પોતાનો વાહન લઇને નાસી ગયો હતો.
કરજણ પોલીસના જણાવ્યા અનુસાર ભત્રીજાના લગ્નમાં જવાની રજા કંપનીમાંથી મળી હોવાથી તે કંપની બહાર નીકળી રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.
બામણગામ નજીક ટ્રેલરે પરિણીતાનો ભોગ લીધો
કરજણ તાલુકાના બામણગામ નજીક ટ્રેલરે બાઈકને ટક્કર મારી દેતા પરિણીતાનો ભોગ લેવાયો હતો. જ્યારે તેના પતિને ગંભીર ઈજા પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા તાલુકાના આલમગીર ગામે અલકાપુરી ફળિયામાં રહેતા 47 વર્ષીય શ્રમજીવી દિનેશ સલાટે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત બપોરે સવા બે વાગ્યે બામણગામ ખોડીયાર કાઠીયાવાડી હોટલ પાસેના નેશનલ હાઈવે 47 પર ભરૂચ તરફ જતા ટ્રેક પરથી પસાર થતા ટ્રેલરે તેમના બાઈકને પાછળથી ટક્કર મારી હતી. તેથી દિનેશના પત્ની અનુબેન ઉંમર 45ને ગંભીર ઈજા પહોંચી હોવાથી ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેમને ગંભીર ઈજા પહોંચી હતી.
કરજણ પોલીસના જણાવ્યા અનુસાર દંપતી અણસ્તુ ગામે સાસરીમાં કામ અર્થે બાઇક લઈને જતા હતા ત્યારે બનાવ બન્યો હતો.