ગાંજાના ૯૦૦ ગ્રામ જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ : છરો પણ મળ્યો
વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગણાતાં
આરોપીઓ પર કોઇએ હુમલો કરીને ઇજા પહોંચાડી હોવાથી પોલીસ દ્વારા બન્નેની સારવાર કરાવીને તપાસ હાથ ધરાઇ
ગાંધીનગર : શહેરના સિમાડે ઘ ૭ સર્કલ પાસે છાપરા વિસ્તારમાં મારામીરીનો બનાવ બન્યો હોવાની વાયરલેસ પર મળેલી માહિતીના આધારે સ્થળ પર પહોંચેલી પોલીસે બે શખ્સોને વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગણાતા ગાંજાના ૯૦૦ ગ્રામ જથ્થા સાથે ઝડપી લેવા સાથે તેની પાસેથી સ્ટીલનો છરો પણ જપ્ત કર્યો હતો. બન્ને આરોપીઓને કોઇએ હુમલો કરીને માર માર્યો હોવાથી તેમની સારવાર કરાવ્યા બાદ પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી.
સેક્ટર ૨૧ પોલીસ મથકના ઇન્સપેક્ટર ડી. બી. ભુરાના જણાવવા પ્રમાણે
ઘ ૭ પ્રેસ સર્કલ પાસે ઝઘડો થયો હોવના મેસેજના પગલે રાત્રે ૯ વાગ્યાના અરસામાં સ્થળ
પર પીસીઆર વાન મોકલવામાં આવી હતી. જ્યાં લોકોએ બે શખ્સોને પકડી રાખ્યા હોય તેને પોલીસને
સોંપવામાં આવ્યા હતાં. પોલીસ દ્વારા તેમના થેલા તપાસવામાં આવતાં તેમાંથી ગાંજાનો જથ્થો
તથા સ્ટીલનો છરો મળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આ કેસમાં
પકડાયેલા આરોપીઓમાં ગાંધીનગરના કલોલ તાલુકાના મુબારકપુરા ગામે હુડકો આવાસમાં રહેતાં
સુનિલ જશુભાઇ વાઘેલા અને ગાંધીનગરના ધોળાકુવામાં રહેતા મનોજ ઉર્ફે કાનો ઇશ્વરભાઇ ઝાપડીયાનો
સમાવેશ થાય છે. બન્નેને કોઇ ઇસમોએ માર માર્યો હોવાથી તેને સારવાર માટે લઇ જવાયા બાદ
પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.