વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરે એક યુવાન સહિત બેના ભોગ લીધા

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરે એક યુવાન સહિત બેના ભોગ લીધા 1 - image

image : Filephoto

Vadodara Flood : વડોદરા શહેરમાં સર્જાયેલી પૂરની સ્થિતિના કારણે એક 35 વર્ષના યુવક અને એક બુઝર્ગનું ડૂબી જવાથી મોત થયા છે. તરસાલી વિસ્તારમાંથી અને હરણી રોડ પરથી બંનેના મૃતદેહ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

જન્માષ્ટમીના દિવસથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદી પાણી ઉતર્યા બાદ આજવા સરોવરમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવીને શહેરમાં તારાજી સર્જી હતી. વિશ્વામિત્ર નદીના આજુબાજુના વિસ્તારમાં પાંચથી છ ફૂટ પાણી ભરાયા હતા. 

તરસાલી વુડાના મકાનની પાછળ ચેનલ પાસે માતા અને પુત્ર રહેતા હતા. માતાનું આઠ મહિના પહેલા અવસાન થયા પછી પુત્ર એકલો જ રહેતો હતો અને આજુબાજુના વિસ્તારમાં ફરતો હતો. આજે સવારે પાણીમાંથી તેનો મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોએ મકરપુરા પોલીસને જાણ કરી હતી. મકરપુરા પોલીસે સ્થળ પર જઈને ડેડબોડી બહાર કાઢી પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. પરંતુ પોસ્ટ મોર્ટમ રૂમ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાથી પીએમ થઈ શક્યું ન હતું. મૃતકનું નામ પોલીસને જાણવા મળ્યું નથી. 

જ્યારે અન્ય એક બનાવમાં હરણી રોડ પરથી એક બુઝર્ગ વ્યક્તિની લાસ મળી આવી હતી. આ મૃતદેહ આગળથી પાણીમાં તણાઈને આવ્યો હોવાનો પોલીસે જણાવ્યું છે.


Google NewsGoogle News