Get The App

વરસાદી માહોલ વચ્ચે જિલ્લામાં કરંટ લાગવાથી બે વ્યક્તિના મોત

રાણીયામાં કંપનીના પતરાના શેડ પરથી પગ લપસતા નીચે પટકાયેલા યુવાનનું મોત

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
વરસાદી માહોલ વચ્ચે જિલ્લામાં કરંટ લાગવાથી બે વ્યક્તિના મોત 1 - image

વડોદરા, તા.1 વડોદરા શહેર અને જિલ્લામાં ત્રીજા દિવસે પણ વરસાદનું જોર યથાવત રહ્યું હતું. આ સાથે જ કરંટ લાગતા બે વ્યક્તિના તેમજ પતરાના શેડ પરથી પગ લપસી જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ પાદરા તાલુકાના ચોકારી પાસેના ખોખરપુરામાં રહેતા નટુભાઇ છોટાભાઇ સોલંકી (ઉ.વ.૪૩) ગઇકાલે સાંજે ઘરના પતરા સરખા કરતા હતા ત્યારે ઘરના વાયરિંગનો એક વાયર પતરાને અડતાં અચાનક નટુભાઇને કરંટ લાગ્યો  હતો તેમને સારવાર માટે લઇ જવાયા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત સાવલી તાલુકાના વાંકાનેર ગામની સીમમાં રાહી બ્રિક્સ ઇંટોના ભઠ્ઠા પર રહેતો ૪૩ વર્ષનો વીરપલ બરજોરસિંહ ઠાકુર (મૂળ રહે.તિરબા, જિલ્લો કન્નોજ, ઉત્તર પ્રદેશ) તા.૨૮ના રોજ મોડી રાત્રે ઓરડીની બહાર ઇલેક્ટ્રીક થાંભલાની નીચે લઘુશંકા માટે ઊભો હતો ત્યારે અચાનક થાંભલા પર ભડકો થઇ અવાજ થયા બાદ કરંટ લાગતાં બેભાઇ થઇ જમીન પર ઢળી પડયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા આજે તેનું મોત નિપજ્યું હતું.

અન્ય બનાવમાં સાવલી તાલુકાના રાણીયા ગામે ગ્લોબલ એક્ષ્પોર્ટસ કંપનીમાં કામ કરતો ૩૦ વર્ષનો અરવિંદ ધનજીભાઇ બીલવાડ(મૂળ રહે.લીમખેડા, જિલ્લો દાહોદ) પતરાના શેડ પરથી નીચે ઉતરતી વખતે પગ લપસી જતાં ઉપરથી નીચે જમીન પર પટકાતા તેને માથામાં ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

આ સાથે શહેરમાં વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. હવામાનખાતાના જણાવ્યા મુજબ વડોદરામાં હવામાં ભેજનું પ્રમાણ સવારે ૯૫ અને સાંજે ૯૧ ટકા હતું. શહેરમાં આજે સવારે છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી અડધો ઇંચ વરસાદ નોંધાયો  હતો તેમજ જિલ્લામાં ડભોઇ, શિનોર સિવાય અન્ય તાલુકાઓમાં વરસાદ પડયો હતો. આવતીકાલે પણ મધ્યમથી ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.




Google NewsGoogle News