મોટી આદરજની ભાગોળે બાઈક ઉપર બિયરના જથ્થા સાથે બે પકડાયા

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
મોટી આદરજની ભાગોળે બાઈક ઉપર બિયરના જથ્થા સાથે બે પકડાયા 1 - image


ઉનાળાની શરૃઆત થતા જિલ્લામાં બીયરની હેરાફેરી વધી

પેથાપુર પોલીસે દરોડો પાડીને ઝડપી લીધા : બિયર આપનાર આદરજના બુટલેગર સામે પણ ગુનો દાખલ કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં હવે ઉનાળાની શરૃઆત થતા બિયરની હેરાફેરી વધી છે ત્યારે પેથાપુર પોલીસે મોટી આદરજ પાસે બાઈક ઉપર બિયરના જથ્થા સાથે કલોલ ગોલથરાના બે શખ્સોને ઝડપી પાડયા હતા અને ૨૪ ટીન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા દારૃની હેરાફેરી અને વેચાણ ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે તો બીજી બાજુ બુટલેગરો દ્વારા પણ કોઈ પણ સંજોગોમાં પોલીસથી બચીને પણ દારૃ બિયરની હેરાફેરી કરવાની મથામણ ચાલુ રાખવામાં આવી છે. હાલ ઉનાળાની શરૃઆત થતા જિલ્લામાં બિયરની ડિમાન્ડ વધી છે ત્યારે બુટલેગરોએ બહારથી જથ્થો મંગાવીને તેની હેરાફેરી શરૃ કરી છે ત્યારે પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મોટી આદરજની ભાગોળે બાઈક ઉપર સવાર બે શખ્સો પાસે બિયરનો જથ્થો છે જે બાતમીના પગલે પોલીસ ટીમે અહીં દરોડો પાડતા બાઈક ઉપર સવાર બે શખ્સો મળી આવ્યા હતા અને તેમની પાસે રહેલા થેલામાં તપાસ કરતા બિયરના ૨૪ ટીન મળી આવ્યા હતા. જે કલોલ તાલુકાના ગોલથરા ગામના સિધ્ધરાજસિંહ બળદેવસિંહ ઝાલા અને જીતેન્દ્ર રતુજી વાઘેલા હોવાનું બહાર આવ્યું હતું તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. જોકે આ સંદર્ભે પૂછપરછ કરતા આ બિયરનો જથ્થો મોટી આદરજ ખાતે રહેતા સંજય ઠાકોર દ્વારા આપવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું અને પોલીસે તુરંત જ સંજય ઠાકોરની શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો. જેથી તેની સામે પણ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.


Google NewsGoogle News