લીઝમાફિયાઓ બેફામઃ નારેશ્વર ખાતે નર્મદામાં વધુ બે યુવકો ડૂબ્યાઃઉંડા ખાડા પડી જવાથી ડૂબ્યાનો આરોપ
વડોદરાઃ લીઝ માફિયાઓને રોકવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે ત્યારે રેતીખનને કારણે નદીમાં ઉંડા ખાડા પડી જતા હોવાથી ડૂબવાના બનાવો બનતા હોવાની ચર્ચાએ ગ્રામજનોમાં જોર પકડયું છે.આવા સમયે યાત્રાધામ નારેશ્વર ખાતે નર્મદા નદીમાં બે યુવકો ડૂબ્યા હોવાનો વધુ એક બનાવ બનતાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલા નારેશ્વર ખાતે ગઇકાલે બપોરે નર્મદામાં નાહવા પડેલા બે યુવકો વહેણમાં તણાઇ જતાં બૂમરાણ મચી હતી અને લોકોના ટોળાં જામ્યા હતા.તપાસ દરમિયાન બંને યુવકો નજીકના રારોદ ગામે રહેતા હોવાની અને તેમના નામો પિયુષ લાલજીભાઇ વસાવા(૧૮) અને હર્ષલ સતિષભાઇ વસાવા (૧૯)હોવાની માહિતી બહાર આવી હતી.
બનાવને પગલે સ્થાનિક તરવૈયાઓ તેમજ વડોદરા અને કરજણ ફાયર બ્રિગેડના જવાનો શોધખોળમાં લાગ્યા હતા.પરંતુ મોડી સાંજ સુધી બંનેનો પત્તો લાગ્યો નહતો.આજે ફરીથી વડોદરાના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના ઇન્ચાર્જ ગુરૃનાથ અને તેમની ટીમે છ કિમી વિસ્તારમાં શોધખોળ કરી હતી.જે દરમિયાન પિયુષ વસાવાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે તેના મિત્રનો હજી કોઇ પત્તો નથી.
આ બનાવ બનવાનું કારણ નારેશ્વરમાં ચાલી રહેલું બેફામ રેતીખનન કારણભૂત હોવાનું ચર્ચામાં રહ્યું છે.લોકો માની રહ્યા છે કે,નદીમાં જે રીતે રેતીખનન ચાલી રહ્યું છે તેને કારણે ઉંડા ૨૦ થી ૩૦ ફૂટ જેટલા ખાડા પડી જાય છે.જે નદીમાં નાહતી વ્યક્તિને ખબર પડતી નથી.ત્રણ-ચાર ફૂટ સુધીની સપાટીમાં રહ્યા બાદ આગળ જતાં જ ઉંડા ખાડામાં ઉતરી જવાને કારણે વ્યક્તિ ડૂબી જતી હોય છે.જેથી આવા બનાવોનું કારણ જાણવા તાકિદે તપાસ થવી જરૃરી છે.
ફાયર બ્રિગેડના જવાનો પણ ધૂમ રેતી ખનન જોઇ અચંબિત થઇ ગયા
નારેશ્વર ખાતે પૂ.રંગઅવધૂત મંદિરની પાછળ નર્મદામાં ચાલી રહેલા રેતીખનનને જોઇ ફાયર બ્રિગેડના જવાનો પણ અચંબિત થઇ ગયા હતા.
ફાયર બ્રિગેડના જવાને કહ્યું હતું કે,સામાન્ય રીતે ડૂબવાના બનાવોમાં શોધખોળ કરવામાં અમને તકલીફ પડતી નથી.પરંતુ નારેશ્વરમાં જે રીતે નદીની વચ્ચે પુલ બનાવવામાં આવ્યા છે અને નદીનું વહેણ અટકે છે તેને કારણે ડૂબેલી વ્યક્તિને શોધવામાં વધુ મહેનત કરવી પડી હતી.
બંને યુવકોની શોધખોળ વખતે પણ લોકો નાહતા હતા,રેતી ખનન ચાલુ હતી
નારેશ્વરમાં બે યુવકો ડૂબ્યા હોવાનો બનાવ બન્યો હોવા છતાં કોઇના પેટનું પાણી હલ્યું નથી તેમ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે.
સૂત્રોના કહ્યા મુજબ,નર્મદામાં ડૂબી ગયેલા બંને યુવકોેન શોધવા માટે ફાયર બ્રિગેડની સાથે સ્થાનિક તરવૈયાઓ મદદે આવ્યા હતા.
એક તરફ શોધખોળ કરવામાં આવી રહી હતી ત્યારે બીજીતરફ રેતીખનન પુરજોશમાં ચાલી રહ્યું હતું.જ્યારે,નદીમાં લોકો બિન્ધાસ્ત રીતે નાહી રહ્યા હતા.