વડોદરા મધ્યસ્થ જેલમાંથી મોબાઇલ મળવાનો સિલસિલો યથાવત: વધુ બે મોબાઇલ મળ્યા
વડોદરા,તા.11 ઓક્ટોબર 2023,બુધવાર
વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા કાચા અને પાકા કામના કેદીઓ પાસેથી અવારનવાર મોબાઇલ મળવાના કિસ્સા બન્યા છે. ત્યારે ફરી જેલમાં એ કેદીઓ પાસેથી મોબાઇલ મળી આવ્યા હતા.જેમાં જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર પંડીત તા.09/10/2023ના રોજ ગાર્ડીંગ સ્ટાફ સાથે અલગ અલગ ટીમ બનાવીને સર્કલ વિભાગમાં ઝડતી કરવા ગયા હતા. તે દરમ્યાન યાર્ડ નં-10 ખાતે ફરજ પરના નાઈટ કર્મચારી જેલ સહાયક ભીમભાને તેમના યાર્ડમાં રહેલ કેદીઓની હિલચાલ શંકાસ્પદ જણાઇ હતી. જેથી તેમણે યાર્ડ નં-10 બેરેક નં-2માં બેઠેલ પાકા કામના કેદી મુકેશભાઈ કપુરભાઈ ડામોર મોબાઈલનો ઉપયોગ કરી રહતો હતો. તેઓ બારીમાંથી ઝડતી કર્મચારીઓને જોઈ જતા મોબાઈલ રૂમાલ નીચે સંતાડીને પોતાની જગ્યા છોડીને બેરેકમાં અન્ય જગ્યાએ જતા રહ્યો હતો.
તે દરમ્યાન ઝડતીના કર્મચારીઓએ તપાસ કરતા રૂમાલ નીચેથી એન્ડ્રોઈડ ફોને મળી આવ્યો હતો. કેદીની પુછપરછ કરતા તેણે મોબાઈલ પોતાનો હોવાનું કબુલ કર્યું હતું.તેવી જ રીતે મંગળવારે બપોરે યાર્ડ નં.-2ની ફાટક પરના વોચમેન તરીકે ફરજ બજાવતા પાકા કેદી રાજેશ ભીખા વસાવાની હિલચાલ ઉપર શંકા જતા અંગ ઝડતી કરતા કેદીના કમરના ભાગે છુપાવીને રાખેલો મોબાઇલ મળી આવ્યો હતો. જેની રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી છે.